(૪) સોલરચક્રો
છાતીની આગળ અને પાછળ એમ બે સોલરચક્રો આવેલાં છે. નાભિથી આશરે ચાર ઈંચ ઉપર આગળના ભાગે અને પાછળનું સોલરચક્ર તેની સીધી લીટીમાં પાછળના ભાગે આવેલું હોય છે. તે હૃદય, જઠર, આંત્રપુચ્છ, યકૃત, આમાશય, પ્લીહા અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર નિયંત્રણ ધરાવે છે. રક્તદબાવ માટે આ ચક્રમાં સારવાર આપવી. આગળનું સોલરચક્ર એ ઊર્જાનાં આગમનનું મુખ્ય કેન્દ્ર ગણી શકાય. નીચે તરફ જતી પ્રાણઊર્જાનો મોટો ભાગ અહીંથી જ પસાર થાય છે. તેમ નીચેથી ઉપરના ભાગે જતી પ્રાણઊર્જા પણ અહીંથી પસાર થાય છે. સમગ્ર શરીરમાં શક્તિસંચાર કરવા માટે આ બંને સોલરચક્રોમાં ઉજ્જવલન કરવું જોઈએ.
(૫) અનાહતચક્ર
આને હૃદયચક્ર પણ કહે છે. તે પણ શરીરના આગળ અને પાછળનાં ભાગે પાંસળીઓનાં મધ્યભાગમાં આવેલ છે. આગળનું હૃદયચક્ર શારિરિક હૃદયથી નજીક હોવાથી તેનું અને થાયમસ ગ્રંથિનું નિયમન કરે છે. જ્યારે પાછળનું હૃદયચક મુખ્યત્વે ફેફસાં અને અંશત: હૃદય અને થાયમસ ગ્રંથિનું નિયંત્રણ કરે છે. અનાહત (Front Heart) ચક્રનું શોધન માર્જન આગળથી સાવધાનીપૂર્વક કરી શકાય. પરંતુ આગળથી ઉજ્જવલન કરવું નહીં. હૃદયને ફેફસાંને થાયમસ ગ્રંથિને પ્રાણઊર્જા પાછળના હૃદયચક્રથી આપી શકાય.
(૬) વિશુદ્ધિચક્ર
ગળામાં આવેલ હોય છે. તે ગળું, શ્વાસનળી, અન્નનળી સ્વરપેટી અને થાઈરોઈડ પેરાથાઈરોઈડ ગ્રંથિઓનું નિયમન કરે છે. આ અવયવોને લગતી બીમારીમાં વિશુદ્ધિચક્રનું શોધન-માર્જન અને ઉજ્જવલન કરવાથી ઘણીવાર તત્કાલ ચમત્કારિક પરિણામો મળી શકે છે. અહીં હૈડિયાના હાડકા પાસેનું મુખ્યચક્ર અને તેની નીચેનાં ખાડાવાળા ભાગમાં ગૌણ ચક્ર આવેલાં છે. આ બંને ચક્રોનું સૂક્ષ્મ અવલોકન, શોધન-માર્જન અને ઉજ્જવલન કરતી વખતે દર્દીને હળવેથી ઉપર તરફ જોવા કહેવું જોઈએ જેથી સચોટ નિદાન અને સારવાર કરી શકાય.