(૧) મૂલાધારચક્ર
કરોડરજ્જુનાં છેલ્લા મણકા પાસે તેનું સ્થાન છે. આ ચક્ર શરીરની ઉત્પત્તિ તેમજ રચના માટેનું ગણાય. સામાન્ય રીતે ૩ થી ૬ ઈંચ જેવું હોય છે. તંદુરસ્ત વ્યક્તિનું આ ચક્ર ઊર્જાસભર હોય છે. જ્યારે બીમાર વ્યક્તિનું આ ચક્ર નબળું અને ઊર્જાની ઊણપવાળું હોય છે. શરીરનો બાંધો ચામડી, તેનો રંગ, નખ, વાળ, દાંત અને હાડકા ઉપરાંત રક્તની ગુણવત્તા, સ્નાયુઓની કાર્યક્ષમતા વગેરેનું નિયમન આ ચક્ર દ્વારા થાય છે. હૃદય પણ એક સ્નાયુ છે આથી હૃદય રોગની સારવારમાં મૂલાધારચક્ર ખૂબ જ મહત્ત્વનું ગણાય. અશક્તિ અનુભવતાં વ્યક્તિનાં મૂલાધારચક્રનું શોધન-માર્જન કરી પૂરતા પ્રમાણમાં ઉજ્જવલન કરવાથી તે ઘણો શક્તિવાળો અનુભવવા લાગે છે. આ ચક્ર સમગ્ર શરીરની ઊર્જા અને પૂર્ણ આરોગ્ય માટે અગત્યનું છે. તે નજીકનાં અવયવો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની કાર્યક્ષમતાનાં નિયંત્રણ માટે જવાબદાર છે. જો વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો તેની આ ચક્ર તપાસીને પ્રાણચિકિત્સા કરવી જોઈએ.
(૨) સ્વાધિષ્ઠાનચક્ર
આ ચક્રનું સ્થાન જનનેન્દ્રિય પર આવેલું છે તે જાતીય અવયવો અને મૂત્રાશયનું નિયમન કરે છે.
(૩) મણિપુરચક્ર
આ ચક્ર નાભિ પર આવેલું હોય છે. તેનો સંપૂર્ણ પ્રભાવ, આંતરડા (નાનું અને મોટું) અને અંશતઃ પ્રભાવ જઠર, હૃદય, યકૃત, પ્લીહા, મૂત્રપિંડ વગેરે અવયવો પર હોય છે. પાચનતંત્રની સમસ્યાઓમાં આ ચક્રની સારવાર કરવી જોઈએ. આહારના પાચન અને ઉત્સર્જન ઉપરાંત પોષકદ્રવ્યોનું શોષણ આ ચક્રની કાર્યક્ષમતા પર આધારિત હોય છે. આ ચક્ર હૃદયને પણ અંશતઃ પ્રભાવિત કરે છે. આ ચક્રને નાભિચક્ર પણ કહે છે.શરીર ની તમામ પ્રાણ નાડીઓ,રક્તવાહિનીઓનું આ મુખ્ય કેન્દ્ર છે. બાળકના જન્મ વખતે આ ચક્રની ચિકિત્સા કરવાથી પ્રસૂતિ સુખદ રીતે કરી શકે છે. સમગ્ર શરીરનું શોધન ઉજ્જવલન આ ચક્ર વડે પણ કરી શકાય.