પ્રાણચિકિત્સાના અભિગમ
પ્રાણચિકિત્સા કરતી વખતે સ્નાયુઓને તંગ રાખવાની કે અતિશય મહેનતની જરૂર નથી. તમે ફક્ત ધારણા કરશો અને ઊર્જા વહેવા માંડશે. આ માટે તમારે આંખો બંધ રાખીને દૃઢીકરણ કરવા બેસવાની પણ જરૂર નથી. ધ્યાન પણ તીવ્રપણે રાખવાનું નથી. જ્યારે સમજ, અપેક્ષા અને ધારણાનું સંયોજન કરશો ત્યારે સાજા કરવાની અદમ્ય ઈચ્છા ઊભી થઈ જશે અને તે ચોક્કસ વધુ સારા પરિણામો લાવી આપશે. પુસ્તક વાંચવા જેટલી એકાગતા પ્રાણચિકિત્સા સારી રીતે કરવા માટે પૂરતી છે. ખુલ્લા મનથી અહીં વર્ણવેલી પદ્ધતિઓના યોગ્ય અભિગમથી પ્રયોગો કરવામાં આવે તે અપેક્ષિત છે.
પ્રાણચિકિત્સા લેતી વખતે અથવા આપતી વખતે વસ્ત્રપરિધાન બાબતે કાળજી રાખવી જોઈએ, રેશમ, રબર અને ચામડું અંશતઃ અવાહક તરીકે વર્તે છે. જો દર્દીએ રેશમી વસ્ત્ર પરિધાન કર્યા હોય તો પ્રાણ સિંચન મુશ્કેલ બની જાય છે. ચામડું કે રબરનાં પગરખાં, કાંડા ઘડિયાળનો પટ્ટો અને ચામડાનાં કમરપટ્ટાને દૂર કરવા (ઉતારી નાખવા) દર્દી અને પ્રાણચિકિત્સક માટે હિતાવહ છે.
૩. ચક્રો
પ્રાણઊર્જાદેહમાં ચક્રો આવેલાં હોય છે. પરંતુ તેમનું સ્થાન નક્કી કરવા માટે ભૌતિક શરીર કે જે દૃશ્યમાન છે તેનો સમજવા માટે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે પ્રાણઊર્જાદેહ અને ચક્રોને જોવાની ક્ષમતા માત્ર દિવ્ય દૃષ્ટાઓને હોય છે. જોકે પ્રાણચિકિત્સા અને ધ્યાન-ચિંતન દ્વારા આ ક્ષમતા વિકસાવી શકાય છે.
સામાન્ય પ્રાણચિકિત્સકે ચક્રોનાં સ્થાન ભૌતિક (દૃશ્યમાન) શરીર પરથી નિર્ધારિત કરવા જોઈએ. શરીર રચનાવાળું ચિત્ર આ માટે ખૂબ મદદરૂપ થઈ શકે. સૂક્ષ્મ અવલોકન વિધિથી ચક્રોને સારી રીતે પારખીને ઉપચાર કરવો જોઈએ.