અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૭) આજ્ઞાચક્ર

ભાગ ૨૨ / ૭૫ · મૂળ PDF

આજ્ઞાચક્રનું સ્થાન ભ્રૂમધ્યમાં આવેલ છે. આ ચક્ર માસ્ટરચક્ર છે કારણ કે તે બધાં જ ચક્રોને પ્રભાવિત કરે છે. આંખો, નાક, કાન, ગળા અને મસ્તકમાં થતી બીજી વ્યાધિઓમાં આ ચક્રમાં પ્રાણચિકિત્સા કરવી જોઈએ. માનસિક વ્યાધિઓમાં પણ આ ચક્ર પર સારવાર જરૂરી છે. તેનો પ્રભાવ ચેતાતંત્ર, રક્તભિસરણ, પાચન વગેરે પર પડતો હોય છે.

(૮) સહસ્ત્રારચક્ર

સહસ્ત્રારચક્ર મસ્તકનાં ઉપરનાં ભાગે મધ્યમાં આકાશ તરફ ખુલતું આવેલું છે. આ ચક્ર મગજ, પિનિયલ અને પિચ્યુટરી ગ્રંથિને પ્રભાવિત કરે છે. અહીં પ્રાણઊર્જા આપવાથી લગભગ આખાય શરીર (ભૌતિક – પ્રાણદેહ) માં પ્રસરી જાય છે. આથી કેટલાક પ્રાણચિકિત્સકો દૂરનાં અવયવો, ચક્રોમાં ઊર્જા સિંચવા માટે સહસ્ત્રારમાં પ્રાણ સિંચન કરતાં હોય છે. જોકે આ ખૂબ જ કાળજી માગી લે તેવું કાર્ય છે.

શરીરમાં કોઈપણ વ્યાધિમાં મૂલાધાર, મણિપુર, સોલરચક્રો, આજ્ઞાચક્રને ધ્યાનથી તપાસીને પ્રાણચિકિત્સા કરવી જોઈએ. સમગ્ર શરીરમાં ઊર્જા સિંચન માટે આ બધા અથવા આમાંથી કોઈ એકચક્ર દ્વારા સમગ્ર શરીરમાં ઊર્જા સિંચી શકાય.

૪. પ્રાણચિકિત્સા

પ્રાણચિકિત્સા ખૂબ જ સરળ છે. તેને ખુલ્લા મન અને થોડા ખંતથી કોઈ પણ માનવી શીખી શકે છે. સામાન્ય રીતે સપ્તાહાંતે બે દિવસનાં સત્ર યોજાતા હોય છે. તેમાં પ્રાણચિકિત્સા તેનાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ શીખવી ખુબ અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. હાજર અભ્યાસુઓ એકબીજા ઉપર તેની અજમાયશ પણ કરતાં હોય છે. ત્યારબાદ તેઓને ઘરે જઈ તેમનાં કુટુંબી, મિત્રો વગેરે પર અભ્યાસ કર્યા કરવાનું જણાવવામાં આવે છે આનાથી તેઓમાં ચિકિત્સા કળાકૌશલ્ય વિકસે છે. કેટલાક પ્રાણચિકિત્સકોએ તો મુશ્કેલીથી મટનારી બીમારીઓમાંથી ઘણા લોકોને સાજા કર્યા હોવાનાં અનેક દૃષ્ટાંતો મોજૂદ છે. આ પ્રાચીન વિજ્ઞાન મહાત્મા MCKS અને તેઓનાં શિષ્યોનાં સાંપ્રત સમયમાં અવિરત ઝુંબેશથી વૈશ્વિક ચાહના પામી ચૂક્યું છે. અન્ય ઊર્જા આધારિત પદ્ધતિઓમાં પ્રાણચિકિત્સા મોખરાનું સ્થાન ધરાવે છે. સદ્ભાગ્યે ગુજરાતમાં શ્રી હિમાંશુભાઈ આ વિદ્યા શીખીને અગ્રણી પ્રાણચિકિત્સક અને આચાર્ય બની MLITH Foundation ની સ્થાપના કરીને આ કાર્યને શાંત ઝુંબેશની જેમ આગળ ધપાવ્યે રાખે છે. તેઓ દ્વારા તૈયાર થયેલાં નિપૂણ પ્રશિક્ષકો પાસેથી ઉત્સુક વ્યકિત શીખી શકે છે. તેઓ google ઉપર પણ ઉપલબ્ધ છે.

હવે સામાન્યથી જટિલ રોગનો પ્રાણઉપચાર કેવી રીતે કરી શકાય તેનાં વિષે સમજીએ. સાવધાની રાખો. માત્ર પુસ્તક વાંચીને આ અજમાવવા કરતાં પ્રાણચિકિત્સા વિજ્ઞાન અને કળાનાં સમયાંતરે યોજાતાં સત્રોમાં અનુભવી પ્રશિક્ષક પાસેથી તાલીમ લેવી હિતાવહ છે.