અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

કર્મમિમાંસા

ભાગ ૩૬ / ૪૪ · મૂળ PDF

કર્મ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ક્રિયા થાય છે. પરંતુ સામાન્ય રીતે તે અત્યારે શું થયું અને ભવિષ્યમાં શું થશે તેનો સંબંધ દર્શાવવા થાય છે. બનાવ, ઘટના, અકસ્માત, તક દ્વારા / by chance કે અવ્યવસ્થિત રીતે બનતાં નથી. તે નિયમિત ઉત્તરાધિકાર વડે (Regular succession) નિયત ક્રમમાં થાય છે.

જો ધરતીમાં બી વાવ્યું હોય તો તે ઉપર કૂંપળ ફૂટે અને તેનાં પર પાંદડાં બેસે પછી ફૂલો આવે પછી ફળ તૈયાર થાય. જેમાં પાછાં બી હોય છે. તેમાંથી ફરી કોઈ બી અથવા બધા વાવવાથી કાળાંતરે ઘણાં ફળ પાકે છે. જે પ્રકારનાં બી હોય તેવાં જ ફળ આવે છે. આથી ડાંગરથી ડાંગર અને ઘઉંથી ઘઉં જ પાકે. જો વ્યક્તિ થોરિયું વાવે તો તેણે રસદાર સફરજાનની આશા ન રાખવી જોઈએ. આ કર્મ છે અને વ્યક્તિ આમ જાણીને જ તેને જોઈતી વસ્તુનાં બી વાવે છે. આ પ્રથમ સમજી લેવું જોઈએ.

હવે કર્મ જણાય છે તેવું સરળ નથી. જો હું કોઈને પૂછું કે તે કેમ શહેરમાં જાય છે? તે કદાચ કહેશે કે તેને જોડાં ખરીદવાં છે. અને તે ધારે છે કે તેને શહેરમાં મળી રહેશે. આમ હંમેશા હું ઇચ્છું, હું વિચારું અને તેથી હું તે ક્રિયા કરું આ ત્રણેય હંમેશાં એકસાથે જોવા મળે છે. આ જે ‘જરૂર છે’ તે ઇચ્છા છે. આપણે કંઈક મેળવવાની ઇચ્છા કરીએ છીએ. તે પ્રથમ તબક્કો છે. ત્યારબાદ આપણે વિચારીએ છીએ કે તે કંઈક કેવી રીતે મેળવવું. આ બીજો તબક્કો. ત્યારબાદ તેને મેળવવા ક્રિયા કરીએ છીએ. આ ત્રીજો તબક્કો છે. આ નિયત ક્રમ છે. પ્રત્યેક ક્રમ પાછળ વિચાર અને પ્રત્યેક વિચાર પાછળ ઇચ્છા હોય જ છે.

આ ત્રણ વસ્તુઓ ક્રિયા, વિચાર, ઇચ્છાનાં તાણાવાણા વડે કર્મ બંધાય છે. આપણા કર્મો આપણી આસપાસનાં લોકોને સુખી અથવા દુઃખી કરે છે. તેથી જો આપણે તેમને સુખી કરીએ તે સુખનું બી વાવવા સમાન છે. તેથી જેવું તે પાકે ત્યારે તે આપણને સુખ આપે છે. પરંતુ જો આપણે દુઃખ વાવ્યું હોય તો તે આપણને દુઃખ જ આપશે. જો આપણે ક્રૂરતા કરીએ તો આપણે ક્રૂરતાનું બીની માફક વાવેતર જ કરીએ છીએ અને તેથી જ્યારે તે સમયે પાકે ત્યારે આપણી સામે ક્રૂરતા જ આવે છે. તેની સામે જો આપણે કરુણાનાં બી વાવીએ તો આપણને કરુણામયતા સામે આવે છે આમ આપણે આપણા કર્મો દ્વારા જે વાવીએ છે તે જ આપણી પર પાછું આવે છે. આ જ કર્મ છે.

પરંતુ ક્રિયાની પાછળ વિચાર છે. આ વિચાર જ આપણું ચારિત્ર છે જે આપણાં મનનો પ્રકાર અને સ્વભાવ છે. જ્યારે આપણે કોઈ વસ્તુનો ખૂબ જ વિચાર કરીએ ત્યારે આપણું મન તેનાં જેવું બની જાય છે. જો આપણે કરુણાથી વિચારીએ તો આપણે કરુણામય બનીએ પરંતુ જો ક્રુરતાના વિચારો વડે આપણે ક્રુર બનીએ છીએ. જો આપણે કપટના વિચારો કરીએ તો આપણે કપટી બનીએ પરંતુ જો આપણે પ્રામાણિકતાના વિચારો કરીએ તો આપણે પ્રામાણિક બનીએ છીએ. આ પ્રમાણે આપણું ચારિત્રનું ઘડતર આપણાં વિચારો દ્વારા કરીએ છીએ. આથી જ્યારે આપણે પુનઃજન્મ લઇએ ત્યારે આપણે એવા જ ચારિત્ર સાથે જન્મીશું જેવાં અત્યારે આપણા વિચારો છે. આમ આપણા સ્વભાવ-ચારિત્ર મુજબ જ આપણો વર્તાવ હોય છે. દયાળુ વ્યક્તિ દયા દાખવે જ્યારે ઘાતકી વ્યક્તિ ક્રુરતા જ આચરે. આથી સમજી શકાય છે કે આપણાં ભવિષ્યનાં જન્મનાં કર્મોનો આધાર આપણા હાલનાં વિચારો પર જ છે. આ કર્મ છે.

પરંતુ વિચારની પાછળ ઇચ્છા રહેલી હોય છે. આ ઇચ્છાઓ જ આપણને ઇચ્છેલી વસ્તુઓ લાવી આપે છે. જેમ લોહચુંબક લોખંડને આકર્ષે છે તે પ્રમાણે ઇચ્છા જ વસ્તુને આકર્ષે છે. જો આપણે અત્યારે સંપત્તિ ઇચ્છીએ તો આપણને ભવિષ્યનાં જન્મમાં સમૃદ્ધ જીવનની તક મળશે. જો અત્યારે સત્તા ઇચ્છીએ તો ભવિષ્યમાં સત્તાવાન બનવાની તક મળવાની છે. આ કર્મ છે.

આથી વિદ્યાર્થીએ આ બાબત વિષે વારંવાર વિચાર કરીને તેને સંપૂર્ણ સમજવું જોઈએ. જેથી તે આગળ કર્મની જટિલ સમસ્યાઓ વિશે જાણી સમજી શકે. કર્મને જો એક વાક્યમાં કહેવું હોય તો કહે છે, “વ્યક્તિ જેવું વાવે છે તેવું જ મેળવે છે.”

પરંતુ વિદ્યાર્થી પ્રશ્ન કરે છે કે જો મારાં હાલનાં કર્મો મારા ભૂતકાળના વિચારોનું પરિણામ છે અને જો મારા ભૂતકાળના વિચારો જ મારાં ભૂતકાળની ઇચ્છાઓ છે, તો હું સાવ અસહાય બંધનમાં નથી ? હું એવા જ કર્મ કરું જેવા મારા વિચારો અને હું એવું જ વિચારું જેવી મારી ઇચ્છાઓ હતી. આ સત્ય છે પરંતુ તે આંશિક રીતે. કારણ કે જેમ જેમ નવા અનુભવો થતા જાય છે તેમ તેમ આપણે બદલાતાં પણ હોઈએ છીએ. આમ જીવાત્મા વધુ જ્ઞાન મેળવતો હોય છે જેના પરિણામે તેની ઇચ્છાઓમાં પણ બદલાવ આવ્યા કરે છે. અન્ય શબ્દોમાં જ્યારે આપણે હકીકતમાં ઇચ્છા કરી વિચાર કર્યો અને ક્રિયા કરી એક રીતે (ભૂતકાળમાં) પરંતુ નવા અનુભવોનાં પરિણામસ્વરૂપ આપણને તેનાં દુષ્પરિણામોનું જ્ઞાન થવાથી તેમાં ફેરફાર કરી નાખવાની તક પણ મળી છે.

દા.ત. એક વ્યક્તિએ ક્રૂરતા આચરી. હવે તે શીખે છે કે તેનાં ક્રૂર કાર્યનું કારણ તેના ભૂતકાળમાં કરેલાં વિચારો હતાં જે તેની જે તે વસ્તુને ક્રૂરતાપૂર્વક મેળવવાની જ ઇચ્છા હતી. હવે તે જુએ છે કે તેનાં ક્રૂર કર્મો લોકોને ખૂબ દુ:ખ આપે છે જેથી તેઓ તેનાથી ડરે છે તેને ધિક્કારે છે. જેનાં પરિણામો તેને એકલતા અને દુ:ખ આપે છે. તે આના વિષે ખુબ વિચારીને તેનામાં બદલાવ લાવવાનું નક્કી કરે છે પરંતુ તેનાં ભૂતકાળની ઇચ્છા અને વિચારોનું દબાણ તેનાં બદલાવમાં મુશ્કેલી પેદા કરે છે. તે સમસ્યાની જડમાં તે ઇચ્છા જેની પૂર્તિ તે ક્રૂરતા વગર નથી કરી શકતો. તે જીવ પોતાને કહે છે હું મારી જાતને આવી ઇચ્છા કરવા નહીં દઉં અને છતાં ઇચ્છા થાય તો હું યાદ કરીશ કે ઇચ્છા દુ:ખ પેદા કરે છે. આમ તે ઇચ્છા પર કાબૂ મેળવવા વિચારનો ઉપયોગ કરે છે. એટલે તે ઇચ્છાને વિચારનું આધિપત્ય આપતો નથી. આમ તે અનિયંત્રિત ઇચ્છાઓનાં વશમાં ભાગદોડ કરવાનાં બદલે વિચાર વડે ઇચ્છા પર નિયંત્રણ સ્થાપે છે. અને તે માત્ર તેને અને અન્યને સુખ ઉપજે તેવી જ અને તેટલીજ ઇચ્છાપૂર્તિ માટે સક્રિય બને છે.

યુવાન જીવો બેફામ ઇચ્છાપૂર્તિ માટે દોડઘામ મચાવે છે અને તેમને અનેક દુ:ખોનો અનુભવ કરવો પડે છે જ્યારે વૃદ્ધ જીવોમાં ડહાપણ વિકસે છે. અને તેથી જ્યારે ઇચ્છાપ્રાપ્તિ માટે ધમાલ મચાવે ત્યારે તેમાં ભુતકાળનાં અનુભવને યાદ રાખીને જે દુ:ખો ભોગવવા પડ્યા હતાં તે સમજીને તે ઇચ્છાને પાછી વાળી લે છે.

એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જન્મ અને મૃત્યુનાં બંધનમાંથી મુકત થવા માટે કોઈ ચોક્કસ જીવનપદ્ધતિની જરૂર નથી પરંતુ જેમ શ્રીકૃષ્ણ કહે છે “જે મને બધામાં રહેલો હું છું તેમ જાણીને મારી સાથે એકરૂપ થઈ મને જ પૂજે છે, તે માત્ર મારામાં જ જીવે છે પછી તે ભલે ફાવે તેમ જીવન જીવે.” રાજા જનક અને વૈશ્ય તુલાધર એક જ પ્રકારે મુક્તિ પામ્યા હતા. તે પણ જંગલમાં ભાગી જઈને નહીં પરંતુ દુન્યવી જંગલમાં જ ઇચ્છાઓને આથમીને.

જનક રાજા હતાં મિથિલાનાં છતાં ચિત્તશાંતિ પામીને તેમણે આ ગીત ગાયું હતું. “મારી સમૃદ્ધિ અગણિત છે છતાં નથી. જો આખી મિથિલાને આગ લાગી જાય છતાં હું કશું જ ગુમાવતો નથી.” અને તેથી તેમણે માંડવ્યને કહ્યું કે “આનું પુનરાવર્તન કરીને એટલે કે વ્યક્તિની તમામ સંપત્તિ માત્ર દુઃખનું કારણ છે તેથી ઇચ્છાપૂર્તિ ભલે અહીં કે સ્વર્ગમાં થાય તેની સામે ઇચ્છાઓનો અંત આવવાથી ઉત્પન્ન થતાં સુખ સામે તો તે ૧૬મો ભાગ પણ નથી. સંપત્તિને સદુપયોગમાં જ વાપરવી પરંતુ ઇચ્છા માત્ર દુઃખદ જ છે. કારણ કે જેમ ગાયનાં શિંગડા ગાયની ઉમર સાથે વધતાં હોય છે, તેમ ઇચ્છાઓની આપૂર્તિ થવાથી ઇચ્છાઓ વધ્યા જ કરે છે.

“સર્વજીવ માત્રને પોતાનાં જાણીને જ્ઞાની તમામ આકાંક્ષાઓમાંથી મુકિત મેળવે છે.”

– મહાભારત, શાંતિપર્વ.

ઋષિ યાજ્ઞવલ્ક્ય પાસેથી જ્ઞાન સંપાદન કરીને રાજા જનકે મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મ કે જે અવિનાશી અને મંગલ જે તમામ દુ:ખોથી પર છે તેને પ્રાપ્ત થયાં. આમ જ્ઞાન પ્રાપ્ત કરીને તે એવા અદ્ભુત જ્ઞાની બન્યા જેમની પાસે મુકિતધર્મ શીખવા માટે સ્વયં વેદવ્યાસે તેમનાં પુત્ર શુકદેવજીને રાજા જનક પાસે મોકલ્યા.

જાજાલીએ પુષ્કળ તપ કર્યું અને અહંકારવશ તેણે એકવાર સ્વગત વિચાર્યું, “આ અફાટ સમુદ્ર અને ધરતી પર મારા જેવું કોણ છે?” ત્યારે અવાજ આવ્યો, “આવું ન બોલ. તુલાધર વૈશ્ય જે લે-વેચનાં વ્યાપારમાં ખૂંપેલો છે તે પણ આવું બોલતો નથી અને તું તો તેના તોલે પણ આવતો નથી.” ત્યારે જાજાલીને આશ્ચર્ય થયું કે “તે બ્રાહ્મણ અને વળી તપસ્વી અને આ વેપારી તેનાથી પણ ચડિયાતો કેવી રીતે?” આમ તે તુલાધરને શોધવા નીકળ્યો. કોયડાનાં ઉકેલ માટે. આમ વ્યથિત થયેલો તે વારાણસી પહોંચ્યો અને તેણે તુલાઘરને શોધ્યો. જે માત્ર એક દુકાનદાર હતો જે અનેક વસ્તુઓનું જે કોઈ ગ્રાહક આવે તેને વેચતો હતો. તુલાધરે ઊભા થઈને બ્રાહ્મણનો ઉચિત સત્કાર કર્યો અને તેની મહાન તપ વિશેની ઘમંડી વાત શાંતિપૂર્વક સાંભળી અને ઉમેર્યું ઓ બ્રાહ્મણ તમે ભયંકર ક્રોધ સાથે મારી પાસે આવ્યા છો હું તમારી શું સેવા કરું? તેનાં ભૂતકાળની વાત આ વિવેકી વેપારીને કેવી રીતે ખબર પડી હશે એમ વિચારીને તુલાધર પર દબાવપૂર્વક સમજાવવા કહ્યું. ત્યારે તુલાઘરે તેને પ્રાચીન નૈતિકતા કે જે બધા જ જાણે છે પરંતુ જૂજ લોકો તેનું પાલન કરે છે તેની વાત કરી. “એવું જીવવું જેમાં કોઈને નુકસાન ન પહોંચે અને જો નુકસાન ન રોકી શકાય તો શક્ય એટલું ઓછું પહોંચે. કોઈની પાસેથી ઉધાર ન લેવું. ન લડવું ન રાગ દ્વેષ કરવા, સૌને સમાન ગણવા, કોઈની પ્રશંસા કે નિંદા ન કરવી. નિર્ભય રહેવું અને કોઈને ભયભીત ન કરવા. ગમા-અણગમાનો ત્યાગ કરીને અને ક્યારેય કોઈનું અહિત ન કરવું.” આથી તે બ્રહ્મને પામે છે.

ખૂબ સુંદર રીતે તુલાધરે સમજાવ્યું કે કેવી રીતે માણસો અને પશુઓને ક્રૂરતાથી હાનિ થાય છે અને બલિદાનનાં પ્રકાર અને સાચી તીર્થયાત્રા તેમજ હાનિરહિતતા વડે કેવી રીતે મુક્તિ મળે છે. “જેવી ઇચ્છા કરે તેવી જ વ્યક્તિ બને છે. જેવી તેની ઇચ્છાઓ તેવા જ તેનાં વિચારો અને જેવા તેનાં વિચારો તેવું જ તે કરે છે. અને જેવું તે કરે છે તેવું જ તે પામે છે.”