અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

ચિકિત્સાદૂતોની સોંપણી (Assigning Healing Angels)

ભાગ ૬૧ / ૭૫ · મૂળ PDF

ચિકિત્સા પૂરી થયા બાદ પ્રભુને પ્રાર્થના કરીને ગંભીર રોગોથી પીડાતા દર્દી ઝડપથી સાજા થઈ પુન: આરોગ્ય પ્રાપ્ત કરે એ માટે ચિકિત્સા દૂતોની સંભાળમાં દર્દીને સોંપણી કરવાની વિનંતી કરવી જોઈએ. એ માટે નીચે મુજબની વિનંતી પ્રાર્થના કરી શકાય.

“હે પ્રભુ આ દર્દી સંપૂર્ણ સાજા થઈ જાય ત્યાં સુધી તેમને ચિકિત્સાદૂત, દૂતોના સંભાળમાં સોંપણી કરીને મુકવા માટે આપનો આભાર. પૂર્ણ શ્રદ્ધા સહિત, આપનો આભાર, તથાસ્તુ.”

આવું આવાહન નમ્રતા, આદરભાવ અને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ.

આધ્યાત્મિક તંતુની ઊર્જાનો અનુભવ કરવો

દિવ્ય ઊર્જા વડે ચિકિત્સા વિષે અગાઉ જણાવ્યું તેમ સહસ્ત્રાર, આજ્ઞા અને (Forehead) આગળનાં મસ્તકચક્રો દિવ્ય ઊર્જાનાં પ્રવેશદ્વારો છે. જેના દ્વારા દિવ્ય ઊર્જા ઊર્જાદેહમાં પ્રવેશ પામે છે. પરંતુ તેનું અવતરણ પ્રકાશનાં એક સૂક્ષ્મ તંતુ દ્વારા સહસ્ત્રારચક્ર પર ઉધ્વમાંથી થતું હોય છે. આ તંતુ પ્રત્યેક જીવંત મનુષ્યમાં હમેશા વિદ્યમાન છે. પરંતુ તેની જાડાઈ વડે ઊર્જાનાં અવતરણની ક્ષમતા ચકાસી શકાય છે.

આ માટે એક વ્યક્તિને ખુરશીમાં બેસાડી તેના મસ્તક પર એક હાથની આંગળીને સંવેદનશીલ બનાવી તેનાં મસ્તકની એક બાજુથી મસ્તકનાં કેન્દ્ર સુધી હળવેથી લાવતાં સૂક્ષ્મ અવલોકન કરો. જ્યાં અવરોધ જણાય ત્યાં થોભો. તુર્ત જ બીજા હાથથી બીજી બાજુથી આ પ્રકિયા કરો. અવરોધ આવતાં અટડી જાઓ. ધ્યાન રાખો બંને હાથની આંગળીઓ સમાંતર ન રાખતાં થોડી ઉપરનીચે રાખવી. આમ બે આંગળીઓ વચ્ચે જે પ્રાણઊર્જાની દોરી જેવું જણાશે. હવે તે જ જગ્યાએ હથેળી સીધી આકાશ તરફ એકાદ ફૂટ જેટલું લઈ જાવ. તમારી હથેળીમાં કાંઈક સંવેદના અનુભવાશે આને આધ્યાત્મિક તંતુ કહે છે. કેટલાક તેને સ્વર્ગ સાથેનો સેતુ પણ કહે છે.

જ્યારે આવાહન દ્વારા દિવ્ય ઊર્જાનું અવતરણ કરવામાં આવે ત્યારે તે પ્રમાણમાં વઘુ જાડો અને સક્રિય જણાશે. આજ રીતે હૃદય ધ્યાન કર્યા બાદ ઉપરોક્ત પ્રયોગ કરવામાં આવે તો તેમાં ખૂબ જ વૃદ્ધિ (વધુ જાડો અને ધબકતો) અનુભવી શકાતો હોય છે. સારા પ્રાણચિકિત્સકો, અર્હાતિક યોગીઓ અને ઉચ્ચ સાધકોમાં તો તે મસ્તક જેટલો જ અથવા તેથી પણ મોટો જોવા મળે છે. આ તેઓની દૈનિક નિયમિત સાધનાનું પરિણામ હોય છે. કેટલાક તો તેને “Piller of Light” પ્રકાશનો સ્થંભ પણ કહે છે. આવા અભ્યાસુ ચિકિત્સકો, સાધકો દિવ્ય ઊર્જા દ્વારા ચિકિત્સા કરતાં હોય છે. અને તેનાં ઘણીવાર અકલ્પનીય, અદ્ભુત, તત્કાલ પરિણામો જોવા મળતાં હોય છે. બાઈબલ કુરાન અને અન્ય ધર્મનાં પુસ્તકોમાં આવી દિવ્ય શક્તિઓ દ્વારા ઉપચાર કર્યાનાં અનેક દૃષ્ટાંતો ઉપલબ્ધ છે. સામાન્ય માણસો આવા પ્રચંડ ઊર્જાપાતને સહી શકતાં નથી તેથી તેઓ બેહોશ થઈ જતાં જણાયા છે.

પ્રાણચિકિત્સામાં આમ કોઈ દિવ્ય ઊર્જાપાત વડે બેહોશ ન થઈ જાય તે માટે પ્રથમ તેનો સહસ્ત્રાર, આજ્ઞા, મસ્તકનાં આગળ પાછળનાંચક્રોમાં સ્થાનિય શોધન–માર્જન કરવામાં આવે છે. જો ખૂબ જ સ્થૂળ ઊર્જાઓવાળો દેહ જણાય તો સંપૂર્ણ શોધન - માર્જન ૩ થી ૫ વાર બંને બાજુએ હાથની બંને સ્થિતિઓની વારાફરતી પાંચેય કલ્પિત રેખાઓ પર કરવું એ અગમચેતી છે. આથી વ્યક્તિનો ઊર્જાદેહ સ્વચ્છ હોવાથી, દિવ્ય ઊર્જાનું અવતરણ થવાનાં પરિણામે બેહોશ થવાનું નિવારી શકાય છે. આ ઉપરાંત દિવ્ય ઉર્જા તેનાં ઊર્જાદેહમાં સારી રીતે સારા પ્રમાણમાં શોષવાથી તે વ્યક્તિ ઝડપથી અથવા તત્કાલ વ્યાધિમુક્ત, પીડામુક્ત બની જાય છે.