અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

જડીબુટ્ટીઓનું સેવન

ભાગ ૫૬ / ૭૫ · મૂળ PDF

કેટલીક જડીબુટ્ટીઓમાં ઊર્જાદેહને સ્વચ્છ કરવાની તાસીર હોય છે. જાણકારો પાસેથી તેનાં ઉપયોગની માહિતી અને જડીબુટ્ટીઓની સેવનવિધિ મેળવી શકાય. ભારતમાં આંબળા અને અશ્વગંધાનો ઉપયોગ પ્રચલિત છે. તેમ ચીન, જાપાન જેવા દેશોમાં જીનસેંગ નામની જડીબુટ્ટીનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો હોય છે. તેના વડે ઊર્જાદેહ અને શારીરિક શરીર ખૂબ જ ચુસ્ત અને સ્ફૂર્તિલું બનતું હોય છે. સ્નાનમાં ૭ ટીપાં લવંડરનાં અથવા ચાના છોડમાંથી મેળવેલાં તેલનો ઉપયોગ પણ કરી શકાય.

ભૂપ્રાણ મેળવવો

પગનાં તળિયે આવેલાં ચક્રો દ્વારા ભૂપ્રાણ મેળવવાથી સ્વયંચિકિત્સા થાય છે. માત્ર ખુલ્લા પગે હરિયાળી ઘાસ પર સભાનપૂર્વક ચાલવા દરમિયાન તાલબદ્ધ યોગીક શ્વસન કરીને પુષ્કળ ભૂપ્રાણ મેળવી સ્વયં ચિકિત્સા કરવી જોઈએ.

પ્રાણઊર્જા વિચારથી વહે છે. જ્યારે પ્રાણચિકિત્સક પોતાનું ધ્યાન દર્દી પર એકાગ્ર કરે છે ત્યારે તે રોગિષ્ઠ પ્રાણઊર્જાને દૂર કરી તાજી પ્રાણઊર્જા દર્દીને આપે છે. દુરસ્થ પ્રાણચિકિત્સામાં ચિકિત્સક અભ્યાસ વડે માનસિક ચેતના ખીલવીને ચોક્કસાઈપૂર્વક ચિકિત્સા કરે છે. જો તમે ખંતપૂર્વક અત્યાર સુધી પ્રાણચિકિત્સાનો અભ્યાસ કર્યો હશે તો તમારામાં સૂક્ષ્મ અવલોકન કરતા પહેલાં જ દર્દી ને કયા ભાગ કે ચક્રમાં ખામી, ખરાબી છે તે અંતઃપ્રેરણાથી જ જાણવાનું કૌશલ્ય કેળવી લીધું હશે જ. આવી અંત: પ્રેરણાના પ્રાણચિકિત્સાની એક આડ પેદાશ જ છે.

દુરસ્થ સૂક્ષ્મ અવલોકનવિધિઃ

દર્દીને દૂરથી જ સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ક્રમશ: પ્રત્યેક પ્રાણચિકિત્સકે કેળવી લેવી જરૂરી છે. આ માટે ખૂબ જ અભ્યાસ કરવો જોઈએ. આ શીખવા માટે

(૧) જ્યારે દર્દી પ્રાણચિકિત્સા કરવા આવે ત્યારે પ્રથમ તેને તમારા હાથ દ્વારા સૂક્ષ્મ અવલોકન ન કરશો તેમ વાતચીત પણ ન કરશો.

(૨) દર્દીને તમારી સામે બેસવા કહો, તમારી આંખો બંધ કરીને માનસિક રૂપે તેના ઊર્જાદેહને નિહાળો. તેનાં ભૌતિક શરીરને પણ નિહાળો, માથાથી પગ સુધીના તેનાં તમામ ચક્રો અને મુખ્ય અવયવો ઉપરાંત શરીરસ્થ, તંત્રપ્રણાલીઓને જુઓ. શું ચક્રો, તેજસ્વી, ભૂખરા, ગંદા રાતા કે કાળા જણાય છે? તેને સૂક્ષ્મ અવલોકન માનસિક રીતે કરવાનો પ્રયત્ન કરો. શું તે જાડા, પાતળા કે સામાન્ય છે? તમારા માનસિક હાથ વડે તમે સૂક્ષ્મ અવલોકન કરો છો તેવું અનુભવો. તેઓ અવયવોનું માનસિક સૂક્ષ્મ અવલોકન કરો શું તે સારા દેખાય છે? સારાં સ્પંદનો આપે છે? તે રતાશ પડતા કે ભૂખરા પડતાં લાગે છે. તેની કરોડરજ્જુને ઉપરથી નીચે સુધી તપાસો. શું તેમાં અવરોધ કે વિસ્થાપિતતા જણાય છે? તમારે તેને સ્પષ્ટ જોવાની કે અનુભવવાની હાલ જરૂર નથી તે પણ ધીરે ધીરે આવડશે. તેને હાલ અસ્પષ્ટ રીતે જોઈ શકો કે અનુભવી શકો તે પૂરતું છે. તનાવમુક્ત થાઓ, શાંત રહો. આ બધું હળવેથી પૂરતું ખાતરીપૂર્વક કરો. દર્દીને થોડીવાર શાંતિથી બેસવા દો.

(૩) તમારી આંખો ખોલો ઉભા થાવ અને દર્દી પાસે જઈ તેનું સૂક્ષ્મ અવલોકન કરો.

(૪) દર્દી સાથે પરામર્શ કરો. દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરો. તમે કરેલા માનસ-સૂક્ષ્મ અવલોકન સાથે આ પરિણામો સરખાવો.

શક્ય છે કે પ્રથમ પ્રયત્નમાં જ તમને અંશત: સફળતા મળશે. જ્યાં સુધી સંપૂર્ણ ચોક્કસતા ના આવે ત્યાં સુધી આનો અભ્યાસ ચાલુ રાખો. આ માટે થોડા મહિનાઓ સુધી આ અભ્યાસ કર્યા કરો. ખંતપૂર્વકનો અભ્યાસ તમને ખૂબ જ ચોકસાઈ આપશે. યોગ્ય અને અસરકારક સારવારનો આધાર ચોક્કસાઈપૂર્વકના સૂક્ષ્મ અવલોકન પર છે.

તમે અગાઉ સારવાર આપેલાં દર્દીઓ પર પ્રથમ દુરસ્થ સૂક્ષ્મ અવલોકન અજમાવો. ત્યારબાદ તદ્દન અજાણ્યા દર્દીઓ પર તેને અજમાવો. દા.ત. કોઈ દર્દીને તમે સારવાર માટે મુલાકાત સાંજના ૬ વાગે આપી છે તો તેનાં તમારા સુધી પહોંચલા પહેલાંજ તેનું દુરસ્થ સૂક્ષ્મ અવલોકન કરો. દર્દીનો ફોટો અથવા તેનાં વપરાશથી કોઈ વસ્તુ તેનો માનસ સંપર્ક કરવામાં મદદરૂપ થશે.