અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

સૂક્ષ્મ અવલોકન વિષે વધુ

ભાગ ૪૩ / ૭૫ · મૂળ PDF

દર્દીને પ્રાણચિકિત્સા આપવા માટે તેનાં સમગ્ર ઊર્જાદેહની તપાસ કરવી એ સારી ટેવ છે, પરંતુ ઊર્જાકવચ અને આરોગ્ય કિરણ દેહને ન તપાસી માત્ર આંતરિક ઊર્જા તપાસીને પણ સારવાર કરી શકાય છે. તેનું સામાન્ય ઊર્જા સ્તર ઊર્જાસ્તરની ઘનતા જોવી જરૂરી છે. તેની સરખામણી અન્ય મુખ્ય ચક્રોનાં ઊર્જા સ્તર સાથે સરખાવવા માટે એક પ્રમાણભૂત ઊર્જા સ્તર તરીકે લેવું જોઈએ. જો કોઈ ભાગને લાંબા સમય સુધી સૂક્ષ્મ અવલોકન કરે તો તે ભાગ ઉજ્જવલન થવાનો શરૂ થઈ શકશે. આથી ૩ ગણતાં સુધીનાં સમયમાં જ જે તે ભાગનું સૂક્ષ્મ અવલોકન કરવાની ટેવ વિકસાવવી જોઈએ.

સૂક્ષ્મ અવલોકન કરતી વખણે દબાવ અનુભવવો જોઈએ જેથી ઊર્જા સ્તરની ઘનતાનો અંદાજ આવે. કયારેક એવું બને કે સૂક્ષ્મ અવલોકન કરતાં હાથની આંગળીઓમાં પીડા, ગરમી, ઠંડી કે ચટકા ભરતી ઊર્જા અનુભવાય. આ સંજોગોમાં હાથને વારેવારે ઝટકી નાખવાં જોઈએ.

ઘણી વાર સૂક્ષ્મ અવલોકન કરતાં આંતરિક ઊર્જા સામાન્ય જણાય. પરંતુ થોડા વધુ અંદર તપાસ કરતાં ત્યાં ઊર્જાની ઉણપ હોઈ શકે છે. આથી આંતરિક ઊર્જાદેહનાં પ્રથમ સ્તર ચકાસ્યા પછી અંદરના સ્તરોને પણ તપાસવા જોઈએ કારણ કે તેમાં અનેક સ્તર હોય છે. ઉચ્ચ કક્ષાનાં યોગી ચીહુંગ અભ્યાસી અને પ્રાણચિકિત્સકની આંતરિક ઊર્જાદેહ ઘણો મોટો અને ઘણા સ્તરવાળો હોય છે. કયારેક તો ત્રણ ફૂટથી વધુ હોઈ શકે છે.

સૂક્ષ્મ અવલોકન દ્વારા શિશુને આંખની કે સાંભળવાની સમસ્યા છે કે કેમ તે પણ જાણી શકાય છે. પ્રાણ ચિકિત્સા શીખવવાના એક સત્રમાં એક ભાઈ તેમની બહેન સાથે શીખવા આવેલા હતાં. સૂક્ષ્મ અવલોકન શીખવતી વખત તે ભાઈ સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા. તેઓની તપાસ કરતી વખતે પ્રશિક્ષકે જણાવ્યું કે તેઓનું હૃદય જમણી બાજુ છે. તેઓ ખૂબ જ વિસ્મિત થઈ ગયાં. કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી ન હોવા છતાં તેમનું હૃદય જમણી બાજુ આવેલ છે. તેમ પ્રશિક્ષકે માત્ર સૂક્ષ્મ અવલોકનથી જ જણાવી દીધું હતું. આ સ્થિતિ ખૂબજ જીવલેણ જોવા મળે છે. ૧૨૦૦૦ માણસોમાં ૧ વ્યક્તિ એવા હોઈ શકે. આ સ્થિતિ અલગથી કે અનુવાંશિક બિમારીરૂપે હોય છે.

તેઓનું વધુ તલસ્પર્શી સૂક્ષ્મ અવલોકન કરતા જણાવ્યું કે તેઓને ૩ મૂત્રપિંડો (Kidneys) છે. જેમાથી એક નિષ્ક્રિય છે. તેમણે મૂત્રપિંડ પ્રત્યારોપણ (Kidney Transplant) કરાવેલું છે. એમ તેઓએ બાદમાં જણાવ્યું. જ્યારે તેમની બહેનનું સૂક્ષ્મ અવલોકન કરતાં જણાયું કે તેમને એક જ મૂત્રપિંડ (Kidney) છે. તેમણે જણાવ્યું કે તેમણે તેમનાં ભાઈને પોતાનો મૂત્રપિંડ આપેલ છે. (Kidney Donated)

આમ સૂક્ષ્મ અવલોકન વિધિ કોઈપણ પ્રકારનાં ખર્ચાળ સાધનોની મદદ વગર જ દર્દીને સ્પર્શ પણ કર્યા વગર ઘણી ઉપયોગી માહિતી આપી શકે છે. આથી પ્રત્યેક પ્રાણ ચિકિત્સક ઉત્સાહથી, ખંતપૂર્વક સૂક્ષ્મ અવલોકન વિધિમાં કૌશલ્ય કેળવવું જોઈએ જેના વડે અદ્ભુત અકલ્પનીય પરિણામો મેળવી શકાય છે.