સંપૂર્ણ શોધન – માર્જન
આ પ્રક્રિયા દ્વારા આખા શરીરમાંથી દુષિત અને સુસ્ત થયેલી પ્રાણઊર્જાનું શાેધન થાય છે. મેસમરની પદ્ધતિ મેસમેરીઝમથી થોડી અલગ રીતે માર્જન કરવામાં આવે છે. સંપૂર્ણ શોધન – માર્જન પ્રક્રિયામાં સામાન્યત: મસ્તકનાં ઉપરથી શરૂ કરીને છેક નીચે પગ સુધીની હળવી ગતિથી શોધન કરાતું હોય છે. આગળથી મસ્તકનાં ભાગે ચોટલીવાળા ભાગથી શોધન કરવું જોઈએ તે જ પ્રમાણે પાછળથી સંપૂર્ણ શોધન કરતી વખતે કપાળ અને મસ્તકનાં વાળ શરૂ થાય ત્યાંથી શોધનની શરૂઆત કરવી જોઈએ. અહીં શરીર ઉપર ૫ કલ્પિત સીધી રેખાઓ પર હાથની બે સ્થિતિઓ વડે સંપૂર્ણ શોધન – માર્જન કરાય છે. પહેલી હાથની સ્થિતિમાં હાથને આગળથી નાગનાં ફેણ જેવા રાખીને ઉપરથી નીચે સુધી લઈ જતાં દુષિત પ્રાણ દૂર કરું છું એવા સંકલ્પ સાથે દર્દીનાં શરીરથી બે ઈંચ દૂરથી દુષિત – સુસ્ત પ્રાણ ખેંચીને તુર્ત જ દૂષિત પ્રાણ નિકાલ કરવાના ડબ્બા (જેમાં પહેલાં થી મીઠું + પાણી તૈયાર રાખવું) માં હાથને ઝટકી નાખવા. ત્યાર બાદ હાથની આંગળીઓને ફેલાયેલી રાખી પહેલાં ટેરવા પાસેથી સહેજ વાળેલી રાખીને ફરી મસ્તકમાંથી પગ સુધી લઈ જતાં દુષિત પ્રાણ દૂર કરું છું તેમજ ઊર્જાદેહમાંથી કાણાં અને તિરાડો પુરી દઉં છું એવા ખ્યાલ સાથે હળવી ગતિથી ફેરવીને ફરી હાથ ઝટકી કાઢવા.
શરીરની મધ્યમાં રેખા ૧, આંખ પાસેથી ૨, કાન પાસેથી ૩, ખભા પાસેથી ૪ અને ખભાની બહાર આશરે ૨ ઈંચ પર રેખા પાંચ આવેલી છે એમ સમજવું. એ જ રીતે પાછળથી સંપૂર્ણ શોધન – માર્જન કરતાં મધ્યરેખા ૧, આંખ પાછળથી ૨, કાન પાછળ ૩, ખભા પાછળથી ૪ અને ખભાની બહાર ૨ ઈંચ દૂરથી રેખા ૫ આવેલી છે એમ સમજવું.
દરેક રેખા પર પ્રથમ ફેણ જેવા હાથથી ત્યારબાદ આંગળીઓ ફેલાવીને એમ બંને પદ્ધતિનો પ્રયોગ કરવો. ત્યારબાદ રેખા ૨, ૩, ૪, ૫ અને પછી પાછળથી આખીય પ્રક્રિયા કરવી. દરેક વખતે હાથ અચૂક ઝટકી નાંખીને દર્દીને તત્કાલીન પ્રતિક્રિયાથી તેમજ પ્રાણચિકિત્સક પોતાને દુષિત પ્રાણથી બચાવી શકે છે. વાસ્તવમાં એમ જ થવું જરૂરી છે. આપણો હેતુ પ્રાણચિકિત્સકે સુરક્ષિત રહીને જ દર્દીને પણ સલામત રાખીને ચિકિત્સા કરવાની હોય છે.
આ સંપૂર્ણ શોધન – માર્જનનાં સામાન્ય રીતે ૩ થી ૫ આવર્તન કરવા જોઈએ. પ્રાણચિકિત્સકે આમાં જરા પણ ઉતાવળ ન કરતાં પ્રત્યેક રેખા પર ઉચિત કાર્ય કરવું જોઈએ. બે આવર્તન વચ્ચેનાં ગાળામાં ચિકિત્સકે ઊંડા શ્વાસ લઈને હળવાશથી ચિકિત્સા કરવી જોઈએ. શરૂઆતનાં તબક્કે પ્રાણચિકિત્સકે હાથને તંગ રાખીને તીવ્રતાથી ખુબ દુષિત પ્રાણ ખેંચી કાઢું એવું વિચારવાના વલણનો ત્યાગ કરવો જોઈએ.
માત્ર એક જ પરિસ્થિતિમાં જ્યારે દર્દી સુસ્તી અનુભવતો હોય અથવા બેહોશી (Coma) માં હોય, ત્યારે પગથી માથા તરફ માર્જન કરવું જોઈએ. તે પણ ૩ આવર્તન માથાથી પગ તરફનાં પૂરા કર્યા બાદ પગથી માથા સુધીનાં આવર્તન કરવા. જેથી દર્દી સામાન્ય બની શકે અને હોશમાં આવી શકે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને અનેક દર્દીઓને પુનઃ હોશમાં લાવવાના અનુભવો થયેલાં છે.
સંપૂર્ણ શોધન-માર્જન પદ્ધતિમાં દર્દીને ઊભા રાખી કે ખુરશીમાં બેસાડી અને પથારીવશ હોય તેનાં પર સૂતા રહેલી સ્થિતિમાં અનેક પ્રયોગ કરી શકાય છે. જો સારા ચમત્કારિક પરિણામો મેળવવા હોય તો સઘન રીતે સંપૂર્ણ શોધન-માર્જન પદ્ધતિનો ઉપયોગ કરવાની ટેવ પાડી દેવી સલાહ ભરેલી છે.
સંપૂર્ણ શોધન કર્યા બાદ સ્થાનિય શોધન કરવું હિતાવહ છે. શોધન – માર્જન પ્રાણચિકિત્સામાં ખુબ અગત્યની પ્રક્રિયા છે અને તે ખુબ સરળ હોવાથી શીખી શકાય તેમ છે. તેનાં વડે, પ્રાણઊર્જાનું શોધન થવાથી ઊર્જાદેહ બળવાન બને છે. પરિણામે ઉપચાર ઝડપી બને છે. દર્દી ઝડપથી સાજા થાય છે. ઘણી સામાન્ય બીમારીઓ તો માત્ર શોધન – માર્જન કરવાથી જ મટી જતી હોય છે.
શોધન – માર્જન પદ્ધતિનાં નીચે મુજબ પરિણામો મળે છે :
(૧) તેનાં વડે ભરાવો થયેલું અને દૂષિત જીવદ્રવ્ય દૂર થાય છે. ઊર્જા વહન કરનારી નાડીઓની પણ સફાઈ થવાનાં પરિણામે તે અવરોધમુક્ત રીતે પ્રાણઊર્જાનું ફરીથી વહન કરવા માંડે છે.
(૨) દુષિત પ્રાણ, ઝેરી દ્રવ્યો, જંતુઓ, કચરો દૂર થવાથી ઊર્જાની ગાંઠો, ગુંચો દુર થવાથી ઊર્જાકિરણો ફરી સશક્ત બની જાય છે. પરિણામે સમગ્ર ઊર્જાકિરણદેહનું ઉજ્જવલન થવાથી બળવાન બને છે. રોગ પ્રતિકારકતા વધે છે.
(૩) શોધન-માર્જન કરવાથી બાહ્ય ઊર્જાકવચમાં પડેલાં કાણાં કુદરતી રીતે સ્વયં પુરાઈ જાય છે. જેના પરિણામે દર્દીને કેટલીકવાર આવતી તત્કાલ પ્રતિક્રિયા કે થોડા સમયની રાહત બાદ રોગ ફરીથી ઉથલો મારવો જેવી સમસ્યા નીવારી શકાય છે.
(૪) શોધન-માર્જન પ્રક્રિયા બાદ દર્દીને પ્રાણ અવશોષિત કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થતાં દર્દી ઝડપથી સાજા થાય છે.
(૫) શોધન – માર્જન પ્રક્રિયા કરવાથી ભરાવો કે ઊણપવાળા ભાગ પર સરખા પ્રમાણમાં પાછા પ્રાણઊર્જા વહન શરૂ થઈ જતાં દર્દીને તત્કાલ સારું લાગવાનું શરૂ થઈ જાય છે.