અનંતની યાત્રાAnant ni Yatra
યોગ વશિષ્ઠ મહારામાયણનો યથાર્થ તત્વ સાર પાર્ટ -૧

ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૭

ભાગ ૭ / ૧૨ · મૂળ PDF

આમ સમર્થ અને આદિ પ્રજાપતિ બ્રહ્મા પોતે કેવળ સંકલ્પમય હોવાથી સ્થુળરૂપે ઉત્પન્ન થયા નથી છતાં પણ ઉત્પન્ન થયા છે એમ કહેવાય.

આ જે બ્રહ્માંડરૂપી ભ્રમ ઉત્પન્ન થયો છે, તેમાં કાંઈપણ મિશ્રિત થયું નથી, કાંઈપણ ઉત્પન્ન થયું નથી અને કાંઈ પણ ગ્રહણ કરવામાં આવતું નથી.

એ તો કેવળ અનંત પરબ્રહ્મરૂપ આકાશ જ છે, અને તેમાં બીજું કાંઈપણ ઉત્પન્ન થયું જ નથી.

આ જગત્ સંકલ્પના નગરની પેઠે પ્રતીત થાય છે, છતાં તે સત્ય નથી, કોઈએ રચ્યું નથી અને તે રંગ વિના થયેલાં ચિત્ર જેવું છે.

જગત ઉત્પન્ન થયું નથી, છતાં પણ તે અનુભમાં આવે છે તે મિથ્યા છે, છતાં સત્ય પ્રતીત થાય છે.જેવા બ્રહ્મા સંકલ્પજન્ય છે તેવું જ તેનાથી ઉત્પન્ન થયેલું આ જગત પણ સંકલ્પજન્ય છે.

આ પૃથ્વી આદિની સૃષ્ટિમાં સાક્ષીનો જે અનાદિકાળનો અનુભવ કારણરૂપ માનવામાં આવે છે.

તેની સ્થિતિ જાગ્યા પછી થયેલી સ્વપનનાં પદાર્થોની સ્થિતિ જેવી છે જેમ બ્રહ્મા શૂન્ય છે.

તેમ જગત પણ સર્વદા શૂન્ય છે.

જેવી રીતે ગમે તે દેશકાળમાં પણ દ્રવપણું જળથી જુદું પડતું નથી, તેમ આ સૃષ્ટિ પણ કદી પરમાત્માથી જુદી પડતી નથી.

પરમાત્મા સર્વદા સમાન અને અખંડ છે.

અને પ્રતીત થતી આ ભારે આડંબરવાળી સૃષ્ટિ એ રીતે મિથ્યારૂપ છે.

આ પ્રમાણે જે બ્રહ્માંડ પ્રતીત થાય છે તે અત્યંત નિર્મળ બ્રહ્મ જ છે, બ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહિં.

આ રીતે માત્ર કલ્પનાથી ઉઠેલું આ જગત શાંત થાય છે, એટલે આધારથી આધેયથી તથા દ્વૈત રહિત તથા દ્વૈતનો અભાવ હોવાથી જેને એક પણ કહી શકાય નહિ તેવું પરબ્રહ્મ અવશેષ રહે છે.

આમ આ જગત પણ સર્વથી રહિત અને સ્વચ્છ કેવળ ચિદાકાશ જ છે.જે છે તે સઘળું શાંતરૂપ પરબ્રહ્મ જ છે.

આમ સિદ્ધ થાય છે કે જે કાંઈ પ્રતીત થાય છે તે સ્વચ્છ બ્રહ્મ જ પોતે પોતાનાથી પોતામાં જ પ્રકાશે છે.

જેમ દ્રવપણાને લીધે જળ, પોતાનામાં ચકરીરૂપે દેખાય છે, તેમ ચૈતન્યપણને લીધે બ્રહ્મ પોતાનામાં જગત્ રૂપે દેખાય છે.

આ જગત મિથ્યા જ દેખાય છે.

છતાં તે સાચા જેવું જણાય છે.

પરબ્રહ્મમાં બ્રહ્મશૂન્યરૂપ છે.

જે પરમાત્મા છે તે જ સર્વદા, શૂન્ય એવા બ્રહ્મા આદિરૂપે પ્રકાશે છે.

બ્રહ્મા મનોમય શરીરવાળા છે.

તે પંચભૂતમય શરીરવાળા નથી.બ્રહ્મની સત્તા -પરબ્રહ્મ પોતે જ પ્રથમ જીવપણાને પ્રાપ્ત થાય છે.

એ રીતે જીવપણું ધારણ કરવાથી તેનું બ્રહ્મપણું મટી જતું નથી.

સંકલ્પરૂપ ચૈતન્યની વૃત્તિ વડે આ મોટો વિરાટદેહ છે, તે પૃથ્વી આદિથી રહિત છે.

મનોમય જ છે અને સ્વચ્છ ચૈતન્યમાત્ર બ્રહ્મમય જ છે.

આ વિરાટ દેહ ઠેકાણા વગરનો સ્વપનનાં પર્વત જેવો છે.

પહેલાં પ્રજાપતિ બ્રહ્મા કહેવાય છે, તે પણ પૂર્વકાળના કર્મ આદિ કોઈ કારણો નહિ હોવાને લીધે કારણો વિનાના જ છે.

પૂર્વકાળના સઘળા બ્રહ્માઓ મહાકલ્પોનાં અંતે મુક્ત જ થઈ જાય છે.

તે આ કલ્પનાં બ્રહ્માનાં પૂર્વકર્મો કયાંથી જ હોય ? બ્રહ્મમાં પ્રતિત બ્રહ્મમાં પણ દેખાતા છતાં મિથ્યા છે.

દૃશ્ય નથી, દૃષ્ટા નથી, સૃષ્ટા નથી તેમ સૃજ્ય પણ નથી.

જેમાં સઘળાં નામ કર્મોની કલ્પના થાય છે, એવું એક બ્રહ્મ જ છે.

જેમ એક દીવામાંથી અનેક દિવાઓ ઉદય પામે છે.

તેમ બ્રહ્મમાંથી અનેક જીવો ઉદય પામે છે.

સ્વપ્નમાંથી સ્વપ્નનાં ઉદયની જેમ હિરણ્યગર્ભમાંથી વિરાટનો ઉદય થયો છે, અને એ સંકલ્પમાત્ર વિરાટમાંથી સંકલ્પમાત્ર વ્યષ્ટિદેહ નો ઉદય થાય છે.

આથી વિરાટ અને વ્યષ્ટિદેહ પૃથ્વી આદિથી રહિત જ છે.

પ્રથમ સંકલ્પરૂપ એ એક વિરાટમાંથી જે બીજાં સંકલ્પોરૂપ જીવો ઉદય પામે છે.

તેમની ઉત્પત્તિમાં બીજા કોઈ સહાયકારી કારણો હોતાં નથી.

તેથી તે જીવો વિરાટરૂપ જ છે.

સહાયકારી કારણો ન હોય, તો કાર્ય અને કારણ એક જ હોય છે.

આથી બ્રહ્મમાંથી આ જે ભ્રાન્તિરૂપ સૃષ્ટિ ઉદય પામી છે.

તે બ્રહ્મથી ભિન્ન નથી સૃષ્ટિ વિરાટ થી અભિન્ન છે અને વિરાટ બ્રહ્મથી અભિન્ન છે, માટે જીવ બ્રહ્મ જ છે.રામ બોલ્યા : જીવ એક જ છે કે અનંત ? કે પછી જીવનો કોઈ પર્વત જેવો સમષ્ટિ પિંડ છે કે તેમાંથી મેઘની ધારાઓની પેઠે, સમુદ્રમાંથી જળકણોળી પેઠે જીવો નિકળ્યા કરે છે ?વશિષ્ઠ બોલ્યાં : જીવ એક પણ નથી તો પછી તે અનંત હોવાનો સંભવ ક્યાંથી ? રાધવ.

જીવોમાં સમુહોપણ નથી અને જીવનો પર્વત જેવો કોઈ સમષ્ટિ પિંડ પણ નથી.

સઘળાં પ્રતિભાસોવાળા જે કોઈ જીવો દેખાય છે તેઓ કોઈ છે જ નહિ.

એવા આ વિષયમાં તમે પાકો નિશ્ચય રાખો.

શુદ્ધ ચૈતન્યમાત્ર, નિર્મળ અને વ્યાપક બ્રહ્મ જ છે.

બ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહિં.

એ બ્રહ્મ સઘળી શક્તિવાળું હોવાથી અનેક દૃશ્યોરૂપે ભાસે છે.

બ્રહ્મ પ્રથમ પોતાનાં આભાસોનાં અનુપ્રવેશનાં ક્રમ થી પોતારૂપ દૃશ્યોને તરત જ સુક્ષ્મ દેખે છે, અને પછી સ્થુળ દેખે છે.

પરબ્રહ્મ જીવ, બુદ્ધિ, ક્રિયા, ચલન, મન, દ્વિત્ત્વ અને એકત્ત્વ ઈત્યાદિરૂપે પ્રફુલ્લિત થતી પોતાની સત્તાનું જ અનુસંધાન કરે છે.

એવી રીતે સત્તાનું જે પ્રફુલ્લિતપણું થાય છે તે અજ્ઞાનથી જ થાય છે.

જો જ્ઞાન થાય છે તો સઘળી સત્તા બ્રહ્મરૂપે જ અવશેષ રહે છે.

આત્મબોધથી એ અજ્ઞાન ટળી જાય છે, પણ તે આત્મબોધ બહુ દુર્લભ છે.

જેમ દિવો થતાં અંધકારનો કયાંય પત્તો મળતો નથી, તેમ બોધ થતાં અજ્ઞાાન પણ કયાંય લોપ પામે છે.આ પ્રમાણે જે જીવ છે તે જ વિભાગરહિત, અખંડિત, સઘળી શક્તિવાળું અને આદિથી તથા અંતથી રહિત એવું બ્રહ્મ જ છે.

બાહ્ય નહીં પામનારું ચૈતન્ય જ જીવનું વાસ્તવિક રૂપ છે.

એ બ્રહ્મ કોઈથી પણ પરિચ્છેદ પામતું નથી.

તેથી એમાં કદી પણ ભેદ થયો નથી.

જે કાંઈ જીવ અને જડ આદિ ભેદ દેખાય છે તે વાસ્તવિક જોતાં બ્રહ્મ જ છે.રામ બોલ્યા :હે બ્રહ્માન્ \! જેમ તમે કહો છો તેમ જ હોય તો સઘળાં જીવો સમષ્ટિરૂપે એક જ છે, તો પછી એક જીવની ઈચ્છાથી સઘળાં જીવોને કેમ સુખ દુઃખ વગેરે થતાં નથી ?વશિષ્ટ બોલ્યાં : વ્યષ્ટિરૂપ વિભાગો થયા પહેલાં જ સઘળી શક્તિઓવાળા સમષ્ટિ-વિરાટ એવી ઈચ્છા હોય છે કે ‘સઘળાઓમાં હું એક જ સાચા સંકલ્પવાળો રહું.

મારા વિના બીજા કોઈનાં સંકલ્પ સાચા થાય નહીં.’ આથી એ સમષ્ટિ-વિરાટ નિરંતર જેવી ઈચ્છા કરે છે તે જ પ્રમાણે તરત થાય છે અને વ્યષ્ટિ જીવોની ઈચ્છા પ્રમાણે થતું નથી.

સમષ્ટિ-વિરાટ એ પ્રમાણે પોતાની ઈચ્છા જ સત્ત્વ થાય એવો સંકલ્પ કર્યો અને પાછળથી ઉદય પામનારા પોતાનાં અંશરૃપ વ્યષ્ટિ જીવોની ક્રિયાના ક્રમ માટે આવો નિયમ કર્યો.

તેઓની ક્રિયાઓ અમુક રીતે થી અને અમુક સાધનોથી જ થાય છે પણ સંકલ્પ માત્રથી થાય નહિં.’ હવે કોઈ સમયે રીતિ અને સાધનો વિના પણ કોઈ મહર્ષિ આદિ વ્યષ્ટિ જીવોની ક્રિયાઓ સંકલ્પ માત્રથી સિદ્ધ થાય છે, તો ત્યાં તેમનો સંકલ્પ સિદ્ધ કરવાની સમષ્ટિવિરાટની જ ઈચ્છા છે એમ માનવું પણ જીવની ક્રિયા તેમની શક્તિ પ્રમાણે જ ફલિત થાય છે અને તે સમષ્ટિવિરાટે સ્થાપેલાં નિયમો વિના થતી નથી.આ પ્રમાણે જે બ્રહ્મ છે.

તે જ આદિ તથા અંતરહિત સમષ્ટિવિરાટ છે.

બ્રહ્મ જ સમષ્ટિજીવરૂપ તથા વ્યષ્ટિજીવ રૂપ થયા છે અને તેમ છતાં તે કોઈરૂપે થયેલ નથી.

દૃશ્યનાં અનુસંધાનને લીધે તે જીવ થાય છે અને જન્મ-મરણને પામે છે.

એ અનુસંધાન છુટી જાય છે, તો તે જીવ પાછો પોતાનાં અખંડ સ્વરૂપમાં જ રહે છે.

વ્યષ્ટિજીવો જો ઉપાસનાનાં માર્ગે ચાલે છે, તો જેમ તાંબુ રસોથી તથા ઔષધિથી પાકીને અનુક્રમે સુવર્ણ થાય છે, તેમ તે સમષ્ટિવિરાટને પામીને અનુક્રમે બ્રહ્મરૂપ થાય છે.

જો તે જ્ઞાનના માર્ગે ચાલે છે, તો જેમ તાંબુ પારસમણિનો સંયોગ થતાં તરત જ સુવર્ણ થાય છે.

તેમ તરત જ એટલે અનુક્રમ વિના જ બ્રહ્મરૂપ થાય છે.

આ સુક્ષ્મ ચિદાકાશરૂપ બ્રહ્મમાં સમષ્ટિઓ કે વ્યષ્ટિઓ કાંઈપણ નથી, તો પણ તેનાં ચમત્કારને લીધે તે જાણે હોય તેમ પ્રતીત થાય છે.

તેમની આ પ્રતીતી અધિષ્ઠાનની સત્તાથી જ થાય છે.

બ્રહ્મમાં પોતાની મેળે જ જે ચમત્કાર ઉઠે છે, તે અહંભાવ કહેવાય છે, અને તેનાં ભવિષ્યકાળમાં નામો તથા રૂપો કલ્પી લેવામાં આવે છે.

બ્રહ્મને પોતાનાથી અભિન્ન અહંકારનું જે અનુસંધાન થાય છે, તે જ આ મહાવિસ્તિર્ણ સંસારરૂપે બ્રહ્મમાં સ્ફૂરે છે અને તે બ્રહ્મમય હોવાને લીધે અનંત છે.બ્રહ્મમાં પ્રતીત થયેલાં બ્રહ્મરૂપ દૃશ્યને જો કે બ્રહ્મથી જુદું પાડવું અશક્ય છે.

તો પણ પોતાની શક્તિને લીધે જ તે પરિણામ અને વિહાર આદિ શબ્દોનાં વ્યવહારમાં આવીને તે જુદા જેવું જણાય છે.

ચૈત્યન અને ચૈત્યને અધીન પ્રકાશવાળો દૃશ્યવર્ગ સ્વાભાવિક રીતે જુદો કરી શકાય નહિ એવા સ્વભાવને પામે છે, ત્યારે તેનો જે અનુભવ થાય છે.

તે જ ભ્રાંતિથી જગત કહેવાય છે.

આકાશ કરતાં પણ સુક્ષ્મતાવાળી અને અત્યંત વિસ્તારવાળી ચૈતન્યની જે શક્તિ છે, તે પ્રથમ સ્વાભાવિક રીતે જ અહંકારનું અનુસંધાન કરે છે.

જ્યારે પોતાનામાં પોતાની મેળે પોતારૂપ જ એવા એ અહંકારનું ઝાંઝવાનાં પાણીની પેઠે સ્ફૂરણ થાય છે, ત્યારે તે ચૈતન્ય વધી વધીને બ્રહ્માંડરૂપે પરિણામ પામેલાં સુક્ષ્મ અહંકારને દેખે છે.

ચમત્કાર કરનારું એ ચૈતન્ય પોતે જ પોતામાં જે અપૂર્વ ચમત્કાર કરે છે, તેને જ ‘જગત’ એ નામ આપવામાં આવે છે.હે રાઘવ \! અહંકારની કલ્પના ચૈતન્યને અધીન છે અને જગતની કલ્પના અહંકારની કલ્પનાને અધીન છે.

માટે અહંકાર અને જગત ચૈતન્યરૂપ છે.

એવા અખંડ ચૈતન્યમાં દ્વૈત અને અદ્વૈત ક્યાં રહ્યાં ? વાસના અને કર્મ આદિને જીવભાવનાં કારણરૂપ માનવામાં આવે છે.

તેમનો ત્યાગ કરીને તમે ‘તું’ અને ‘હું’ એ ભાવનો પણ ત્યાગ કરો, એટલે પછી દૃષ્ટા અને દૃશ્યનાં મધ્યમાંથી કેવળ સત્તા જ અવશેષ રહેશે.

પ્રથમથી જ સિદ્ધ એવી અધિષ્ઠાનની સત્તા જુદી જણાતી દૃશ્યની સત્તા ને ગળી જાય છે, એટલે વાદળ ફુટતાં કેવળ આકાશની જ સત્તાની પેઠે કેવળ એક જ સત્તા ઉદય પામે છે.

એ સત્તામાં જગતની સત્તા કે અસત્તા કશું જ જાણવામાં આવતું નથી.

મનની ચેષ્ટારૂપ જગત પણ શૂન્યરૂપ છે, અને ઈન્દ્રિયો વગેરેનાં વિષયરૂપ આ સાકાર સ્થુળ જગત પણ શૂન્ય જ છે.

એ બંને ચૈતન્યનાં ચમત્કારરૂપ છે, માટે ચૈતન્યથી ભિન્ન કાંઈ છે જ નહીં.

ચૈતન્ય સર્વદા દૃશ્યોથી રહિત છે, નામથી રહિત છે અને તેનું જે વિસ્તીર્ણ સ્વરૂપવાળું રૂપ છે, તે જ સ્ફૂરણ પામેલાં જગતનું રૂપ છે, મન, બુદ્ધિ, અહંકાર, પ્રાણીઓ, પર્વતો અને દિશાઓ વગેરે જેજે રચનાઓ છે, તે સઘળી ચૈતન્યની જ રચનાઓ છે.

કારણ કે જગતની સ્થિતિ ચૈતન્યરૂપ છે.

જગતને ચૈતન્યના ધર્મરૂપ સમજો.

જગતવિના ચૈતન્યપણું છે જ નહીં.

જો જગતન હોય તો ચૈતન્ય પોતાના ચમત્કાર વિનાનું થઈ જાય.

માટે જગતમાં અને ચૈતન્યમાં કહેવા માત્રથી ભેદ છે.

પણ વાસ્તવિક ભેદ નથી એટલે પછી જગતની જુદી સત્તા જ ક્યાં રહી ? સ્ફૂરણનાં બીજ રૂપી ચૈતન્યમાં તેનો પોતાનો જે ચમત્કાર છે.

તે જીવ અને તન્માત્રાાઓરૂપ જગત છે.

જે અહંકાર છે, તે ચૈતન્યની શક્તિ નો જ વિલાસ છે.

એ વિલાસમાં ચૈતન્યના જ વિલાસરૂપ ચનલક્રિયા પ્રાપ્ત થાય છે.

એટલે તેનું ભવિષ્યકાળમાં ‘જીવ’ એવું નામ કહેવાય છે.

જો કે ચૈતન્ય અને ચૈતન્યરૂપે પ્રકાશ કરનાર અહંકાર આદિ પોતાનાં વિકારોથી પરિચ્છિન્ન (વિભક્ત) થઈ જીવ આદિ નામ ધારણ કરે છે, તો પણ એ વિકારો મિથ્યા હોવાને લીધે તે પરિચ્છિન્ન રૂપ છે જ નહીં.

એટલે જીવમાં અને બ્રહ્મમાં કોઈ ભેદ છે જ નહીં.

ચૈતન્યરૂપ બ્રહ્મને અને ચૈતન્યનાં વિલાસરૂપ જીવને કશો ભેદ નથી.

ચૈતન્યની શક્તિરૂપ હોવાને લીધે ચૈતન્યે કરેલાં જેવો જણાતો ચૈતન્યનો જે વિલાસ છે.

તે જ જીવ કહેવાય છે.

જીવ અને જીવોનું મન એ બંને ચૈતન્યનાં વિલાસરૂપ છે, અને જે મન છે, તે જ ઈન્દ્રિયોરૂપે થયેલું છે.

માટે એક જ બ્રહ્મ અનેકરૂપે સત્તા પામેલું છે.

ચૈતન્યનાં પ્રકાશની છટારૂપ આ જગત સઘળા ભેદોથી રહિત એવું ચૈતન્યરૂપ જ છે.

કાર્યો અને કારણો આદિ કંઈ પણ બ્રહ્મથી ભિન્ન નથી.આ ઉપરથી હંમેશા એવો નિશ્ચય રાખવો કે હું છેદન પામવાને અશક્ય છું,.

બળવાને અશક્ય છું, પલળવાનો અશક્ય છું અને શોષાવાને અશક્ય છું, નિત્ય છું, વ્યાપક છું, અવિનાશી છું અને શાંત અચળ છું.પોતપોતાનાં ભ્રમોથી બીજાઓને ભમાવતા અને વાંધાઓ લેતા વાંધાઓ આ વિષયમાં વિવાદ કરે છે.

પણ અમને તો ભ્રાંતિ ટળીને આ વિષયમાં પાકો નિશ્ચય થયો છે.અજ્ઞાનીઓ એ દૃઢ કરી માનેલાં આ સાકાર જગતમાં વિકાર વગેરે જુદા જુદા દેખાય છે, પણ જ્ઞાનીઓએ જગતનો નિષેધ કરીને નિરાકાર અને સર્વના અધિષ્ઠાનરૂપ જ બ્રહ્મનું દૃઢ રીતે અનુસંધાન કર્યું છે.

તેમાં વિકારો આદિ જુદા જુદા દેખાતા નથી.પોતાનાં જ્ઞાનથી દૃશ્ય પદાર્થોનો અસ્ત થતાં પણ એ ચૈતન્ય પ્રકાશિતરૂપે રહે છે અને અજ્ઞાનકાળમાં સ્થાવરાદિક જડ પદાર્થોમાં જડતાં ને લીધે એ અપ્રકાશિતરૂપે રહે છે.અવિચારકાળમાં પ્રાણાદિક ભાવોની કલ્પનાને લીધે એ ચૈતન્ય સંસારી થાય છે અને વિચારકાળમાં એ પોતાનાં સ્વભાવમાં જ રહે છે.

ચૈતન્યનાં પ્રકાશથી પ્રકાશતું આ જગત ચૈતન્યની સત્તાથી છે અને પોતાની સત્તાથી નથી આ જગત ચિદાકાશની શૂન્યતારૂપ જ છે તે ચિદાકાશની સત્તાથી છે અને પોતાની સત્તા નથી.જગતની રચના તેલનાં પરમાણુરૂપ છે અને ચૈતન્ય કાજળરૂપ છે, એટલે તેલ બળી જતા જેમ કાજળ અવશેષ રહે છે, તેમ જગતનો બાધ થતાં ચૈતન્ય અવશેષ રહે છે.જગત ચૈતન્યરૂપ અગ્નિની ઉષ્ણતા છે.

જે ચૈતન્યની સત્તા છે તે જ જગતની સત્તા છે.

અને જગતની જે સત્તા જણાય છે તે ચૈતન્યનું શરીર છે.

ચૈતન્યમાં બ્રહ્માંડ પ્રતીત થતું હોવા છતાં પણ તે વાસ્તવિક રીતે નથી.

આ પ્રમાણે જગત પોતાની સત્તાથી અસત છે પણ અધિષ્ઠાનની સત્તાથી સત છે.કલ્પિત પદાર્થની સત્તા અને અસત્તા અધિષ્ઠાન થી જુદી હોય જ નહિ માટે જગતની સત્તા અને અસત્તા બ્રહ્મથી જુદી નથી.

જ્ઞાનીઓનાં અનુભવનું ખંડન કરવા માટે જે લોકો ‘અવયવવાળા જગતની અને અવયવરહિત પરમાત્માની એકતા કેમ ઘટે’ એવી કલ્પનાઓ કરે છે તેમને ધિક્કાર છે.નિર્મળ બ્રહ્મ અત્યંત અખંડ હોવા છતાં પણ પોતાનાં આ સઘળા અસત્ બ્રહ્માંડને ઘરે છે.

જ્યારે કાર્યરૂપે ઉત્પન્ન થયેલાં આ પ્રત્યક્ષ આકાશને પણ વાયુ આદિનો સંગ નથી.

ત્યારે સર્વ પદાર્થોનાં અધિષ્ઠાનરૂપ ચિદાકાશને જગતની સત્તા અસત્તા, તું પણું અને હું પણું ઈત્યાદિનો સંબંધ કેમ હોય ?પોતાની અંદરની નસો નો સમુહ પોતાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છતાં પાંદડું તેને પોતાની અંદર ધારણ કરી રહે છે.

તે જ પ્રમાણે્ જગત પોતાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, છતાં બ્રહ્મ તેને પોતાની અંદર સ્વાભાવિક રીતે જ ધારણ કરી રહેલ છે.જેમ જગતનું ઉપાદાનકારણ નિર્વિકાર હોવાથી જગતરૂપ વિકાર મિથ્યા છે તેમ ચિત્તોની સમષ્ટિરૂપ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જગતરૂપ વિકાર પણ મિથ્યા છે, અને ખોટી હજારો કલ્પનાઓરૂપ ચિત્તો મિથ્યા છે, તેથી તેમની સમષ્ટિરૂપ હિરણ્યગર્ભ પણ મિથ્યા છે.

આમ હિરણ્યગર્ભ મિથ્યા છે, તેથી તેનાથી ઉત્પન્ન્ થયેલું જગત પણ મિથ્યા છે.

જો જગત મિથ્યા હોય તો યૈતન્ય મિથ્યા હોવું જોઈએ.

એવી વાત કરવાથી ચૈતન્યનું મિથ્યાપણું સિદ્ધ થતું નથી.

કારણ કે ચૈતન્ય તો અનુભવથી સિદ્ધ થાય છે.

જે વિષય અનુભવથી વિરુદ્ધ હોય તેમાં વચનની પ્રમાણતા મનાય નહીં.

જેમ જે બીજરૂપ હોય છે તે જ અંકુરરૂપ થાય છે એવું જોવામાં આવે છે, તેમજ જે બ્રહ્મ છે તે જગતરૂપે ઉદય પામે છે એવો નિશ્ચય રાખવો.હે રામ \! આકાશ જેવાં આ મહાચૈતન્યની અંદર આજે સઘળું બ્રહ્માંડ છે.

તે મહાચૈતન્યથી ભિન્ન નથી પણ મહા-ચૈતન્યમય જ છે એવો તમે અનુભવપૂર્વક નિશ્ચય રાખો.જગત ચૈતન્યરૂપ આત્માથી અભિન્ન છે.

જેમ સ્થંભમાં વગર કોતરેલી પુતળી પ્રતીત થાય છે તેમજ ચૈતન્યમાં ઉત્પન્ન થયા વગરનું બ્રહ્માંડ પ્રતીત થાય છે.જેમ પરમાણુની પાસે પર્વતો સ્થુળ છે.

તેમ જગતની પાસે જાળિયામાં આવેલાં સૂર્યનાં કિરણોની અંદર દેખાતાં ત્રસરેણુઓ પણ સ્થુળ છે.

મૂઢ લોકોને જગત અત્યંત સ્થુળ લાગે છે.

પણ વિદ્વાનોની દૃષ્ટિમાં તો એ જગત અત્યંત સૂક્ષ્મ છે.

ત્રસરેણુઓની સત્તા કિરણોની સત્તાથી હજી જુદી જણાય છે, પણ જગતની સત્તા તો બ્રહ્મની સત્તાથી જુદી અનુભવમાં આવતી જ નથી.ચિદાકાશરૂપ આ જગતમાં ભિન્ન આકારનો કદી પણ સંભવ નથી.

આ જગત સંકલ્પનાં નગર જેવું છે.ચૈતન્યમાત્ર જ ચિદાકાશમાં સાક્ષીરૂપ સૂર્યથી જગતનો પ્રકાશ થયા કરે છે.

જેમ વાદળાંની પાસે સંકલ્પનું વાદળું સૂક્ષ્મ છે તેમ ચૈતન્યની પાસે જગત સુક્ષ્મ છે.જેમ આકાશ એટલે ‘શૂન્ય’ એમ આપણે સમજીએ છીએ તેમ જગત એટલે પણ શૂન્ય એમ સમજવું.

જગત અને આકાશ એ શબ્દો પણ કલ્પિત હોવાને લીધે અધિષ્ઠાન ચૈતન્યથી ભિન્ન નથી.

આ પ્રમાણે છે.

એટલા માટે ચૈતન્યમાં જગત આદિ કાંઈપણ દૃશ્ય ઉત્પન્ન થયું જ નથી.

તે નામથી રહિત છે, રૂપથી રહિત છે અને જેવું છે તેવું જ છે.

આ રીતે ચિદાકાશમાં રહેલું જગત આવરણરૂપ ભીંત તૂટી જતાં ચિદાકાશરૂપ જ થઈ જાય છે.જગત પોતાની સત્તાથી ચૈતન્યનાં અણુમાત્ર પ્રદેશની પણ સમાન થઈ શકે એમ નથી.

જગત ભિન્ન આકારથી રહિત હોવાને લીધે સ્વચ્છ ચૈતન્યરૂપ જ છે, તે ચિદાકાશમાં ચિદાકાશરૂપ ચિત્ર છે અને સંકલ્પના નગરની પેઠે તે રહેલું છે.સૃષ્ટિ મનોવિલાસ માત્ર છે.સરસ્વતી એ લીલાને કહ્યું એક વાસનામય ચિત્તાકાશ છે બીજું શુદ્ધ ચિદાકાશ છે અને ત્રીજું આ વ્યવહારિક આકાશ છે.

પહેલાંની અને ત્રીજાની સંધિમાં જે ચિદાકાશ છે.

તે બંનેથી રહિત છે.

તે સ્થાન આદિ એ ચિદાકાશ ના ગર્ભરૂપ જ છે આથી તે સ્થાન આદિ ચિદાકાશથી જુદું નથી છતાં એ ચિદાકાશનું એકાગ્રપણે ચિંતવન કરવામાં આવે તો તે સ્થાન આદિ તૂરત જ અહીં દેખવામાં અને અનુભવવામાં આવે એમ છે.

સંવિત નિમેષમાત્રમાં એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે ત્યારે તે સંવિતનું બંને પ્રદેશથી રહિતપણું જે મધ્ય છે, તે ચિદાકાશ છે એમ સમજવું.

તું સઘળા સંકલ્પો છોડી દઈને એ ચિદાકાશમાં વિશ્રામ કરીશ તો એ સર્વાત્મક પદ હોવાથી તેમાં તને તારા પતિનાં સ્થાન આદિની અવશ્ય પ્રાપ્તિ થશે.

જો કે જગતનો અત્યંત બાધ થાય ત્યારે જ એ પદ મળે છે અને બીજી રીતે એ મળે તેમ નથી તો પણ મારા વરદાનમાં પ્રભાવથી તને એ પદની તુરત પ્રાપ્તિ થશે.આમ લીલાને રમતવાતમાં નિર્વિકલા સમાધિની પ્રાપ્તિ થઈ.

પલકવારમાં લીલાએ સમાધિને લીધે અંતઃ કરણરૂપ દૃઢ પિંજરાવાળો સ્થૂળ દેહને છોડી દીધો.