અનંતની યાત્રાAnant ni Yatra
યોગ વશિષ્ઠ મહારામાયણનો યથાર્થ તત્વ સાર પાર્ટ -૧

ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૬

ભાગ ૬ / ૧૨ · મૂળ PDF

એમનાં પ્રકાશથી જ સઘળું જગત પ્રકાશે છે.

એમનું સ્વરૂપ જ અજ્ઞાન કાળમાં સૃષ્ટિરૂપે વિચિત્ર લાગે છે અને અજ્ઞાનની નિવૃત્તિ એટલે જ્ઞાન થતા વેંત તે આદિ-અંત રહિત લાગે છે.

જેમ નેત્રો અર્ધા ઉઘાડીને ભ્રમરની સામે જોતાં બંને ભમરની મધ્યમાં ખોટી કાળી ટપકી દેખાય તેમ એ દેવનાં સ્વરૂપમાં મિથ્યા જગત જોવામાં આવે છે.

એ દેવ આકાશની પેઠે નિર્લેપ રહીને પોતાનાં સ્વરૂપની સત્તાથી પોતાનામાં સત્ રૂપ લાગતાં જગતને જોયાં કરે છે.

એ સત્ રૂપ પરમાત્માનું બીજું કોઈપણ કારણ હોવાની કલ્પના કરવી એ સસલાના સિંગડાની કલ્પના કર્યા જેવું છે.

એ દેવરૂપી તેજમાં બ્રહ્માંડોરૂપી ઝાંઝવાના જળો ઝળક્યા કરે છે.

એ દેવ જ્યારે મનરૂપ બને છે ત્યારે તેમાં આ જગત દેખાય છે. અને જ્યારે મનરૂપ છોડી દે છે તો જગત દેખાતું નથી.વ્યાપક અને વિભાગ વિનાનાં એ દેવનાં સ્વરૂપમાં જગતનાં જે ઉત્પત્તિ તથા પ્રલય થાય છે, તે કેવળ અવિદ્યાની આર્વિભાવ અને તિરોભાવ ને લીધે થાય છે.

એ દેવું વાસ્તવિકરૂપ તો નિર્મળ છે અને અક્ષય છે.

એ દેવની સત્તા એવી અખંડિત છે કે તેમાં બીજા કોઈ ની સત્તા જ નથી.

એ દેવ સર્વકાળમાં અને સર્વદેશોમાં જ્ઞાનીપુરુષો ને પ્રકાશમાન છે, પણ અજ્ઞાનીઓને તેઓ અપ્રકાશિત છે.

અને મુક્તપુરુષો તેઓમાં તદરૂપ જ છે.

એ દેવ ચલનરહિત, કલ્યાણસ્વરૂપ, શાંતસ્વરૂપ છે.એમાં કલ્પાયેલી અવિધાનાં ચલન થી જ ત્રણલોકની ઉત્પત્તિ થાય છે.

એ એક જ દેવ અધિષ્ઠાન છે.

બ્રહ્માંડોનો નાશ થવા છતાં પણ એ દેવની સત્તાનો નાશ થતો નથી.

જેમ ધોળા વસ્ત્રHi ધોળપણું પ્રત્યક્ષ છે છતાં તેને ગ્રહણ કરી શકાતું નથી.

તેમ એ દેવ પ્રત્યક્ષ છતાં પણ ગ્રહણ કરી શકાતાં નથી.

એ દેવ વાણીથી રહિત છતાં બોલે છે, મનથી રહિત છતાં મનન કરે છે, સર્વદા તૃપ્ત છે છતાં ભોગવે છે અને ક્રિયાનાં સાધનોથી રહિત છતાં ક્રિયા કરે છે.

એ દેવ અંગરહિત છતાં સર્વાગ છે.

તેમને હજાર હાથ હજાર આંખ, હસ્ત અને નેત્રો છે.

એ દેવ કોઈમાં રહેલા નથી છતાં સઘળાં જગતમાં વ્યાપેલાં છે.

એ દેવને ન જોવાથી સંસારરૂપી મિથ્યા સર્પથી ડરવું પડે છે..

પણ એ દેવનાં દર્શનથી સંસારની સઘળી કામનાઓ અને ભીતિઓ કયાંય ભાગી જાય છે.

જો એ દેવનો સાક્ષાત્કાર થાય તો તમે, હું અને આ સઘળાં લોકો એકરૂપ જ છીએ.એ દેવના પ્રકાશથી જ જગતનો પ્રકાશ થાય છે.

ક્રિયા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ અને અંત:કરણનું ચૈતન્ય આદિ જે કાંઈ તમારા જાણવામાં આવે છે.

તો તે એજ દેવ છે અને તે તમારું જ સ્વરૂપ છે.

એમ તમે એકાગ્ર મનથી સમજો, એ બ્રહ્મ જન્મરહિત, જરારહિત અનાદિ, અવિચળ, નિત્ય, સુખરૂપ, નિર્મળ છે.

જાણ્યા પછી દુર થાય એમ નથી, અત્યંત વંદનીય છે, શુદ્ધ છે.

જ્ઞાનરૂપ, સર્વરૂપ છતાં ગુપ્ત રહેલાં છે.હે રામ \! મહાપ્રલયમાં જે સત્ વસ્તુ અવશેષ રહે છે, તે શૂન્ય નથી.

જેમ કોતર્યા વિનાની પુતળી થાંભલામાં જ છે તેમ આ જગત તે સમયે પણ બ્રહ્મમાં રહેલું હોય છે.

માટે જગતનાં અધિષ્ઠાન એવું બ્રહ્મ શૂન્ય નથી.

જેમ જળમાં તરંગ છે અને નથી એમ બ્રહ્મમાં આ જગત છે અને નથી.

જગતના પ્રલય અને ઉત્પત્તિની સત્તા પણ બ્રહ્મમાં છે જ તેનાથી તે કયારેય જુદી થતી નથી.

કેવળ સત્ અને સ્વસ્વરૂપ સ્થિત બ્રહ્મમાં જગત ઉત્પન્ન થવા માટે બીજી કોઈપણ સામગ્રીની જરૂર જ નથી માટે બ્રહ્મ શૂન્ય નથી તેમ અશૂન્ય પણ નથી.

આકાશની પેઠે સ્વચ્છ એવા એ બ્રહ્મનો જે પ્રકાશ છે તે તેના અનુભવરૂપ છે પણ અન્યને તેનો અનુભવ થતો નથી.

આ પ્રમાણે બ્રહ્મ તમ અને જ્ઞાતા રહિત છે.

તે અવિનાશી પદ છે.

જેમાં સઘળું જગત ભ્રાંતિ થકી જ કલ્પાયું છે.

માટે બ્રહ્મને જીવરૂપ, બુદ્ધિરૂપ કે મનરૂપ કહી શકાતું નથી.

બીલામાં અને બીલાનાં મધ્યમાં જેમ કશો ભેદ નથી.

તેમ બ્રહ્મમાં અને જગતમાં કશો ભેદ નથી; માટે બ્રહ્મ કોઈ અન્યરૂપ નથી પણ સર્વરૂપ કહેવાય.બ્રહ્મ જો ચિદ્રૂપ છે તે પ્રલય વખતે જીવનો અભાવ ને લીધે ચિદ્રૂપે ભાસતું નથી એ તે સમયે જેમ જીવનું જીવપણું નથી રહેતું તેમજ જગતનું જગતપણું પણ નથી હોતું.

જીવ અને જગત ત્યારે બંને બ્રહ્મરૂપ જ થઈ જતા બહારના અને મનની અંદરના દેખાવો પણ બ્રહ્મરૂપ જ થઈ જાય છે.

પ્રલય અને સમાધિના સમયે સંપૂર્ણ જગત સુષુપ્ત થઈ જાય છે અને જ્ઞાનકાળમાં તૂર્યરૂપ થઈ જાય છે, તેથી સઘળાં સંસ્કારોનાં ડાબલારૂપ જ્ઞાની વ્યવહારવાળો છતાં સંસ્કારરહિત બ્રહ્મરૂપે રહે છે.

આકાર વગરનાં પરબ્રહ્મમાં બ્રહ્મરૂપે જગત રહેલું છે.

સંપૂર્ણ બ્રહ્મમાંથી જગતનું સ્ફુરણ માન્યું એટલે તેમાં દ્રષ્ટારૂપે જીવનું સ્ફુરણ થયું છે.

જગત પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણરૂપે જ પ્રસરેલું છે અને પૂર્ણરૂપે જ છે માટે આ જગત ઉત્પન્ન થયું છતાં નથી.પરબ્રહ્મ, પરમાણુનાં પણ કારણરૂપ છે.

સુક્ષ્મ કરતાં પણ અત્યંત સુક્ષ્મ, શુદ્ધ અને આકાશ કરતાં પણ અત્યંત શાંત છે.

તે દેશ-કાળ જેવા વિભાગોથી રહિત છે.

તે અત્યંત વિસ્તીર્ણ છે, આદિ-અંતરહિત છે, પ્રકાશમાત્ર છે.

અને પ્રકાશ્ય પદાર્થોથી રહિત છે.

બ્રહ્મમાં દૃશ્ય જ થયું નથી ત્યારે ચિત્તમાં પ્રતિબિંબિત થયેલો કહેવાતો અને નિરંતર વાસનામય કહેવાતો દ્રષ્ટા (જીવ) તો ક્યાંથી હોય? દ્રશ્યનો ઉદય ન થવાથી બ્રહ્મમાં જીવપણું નથી, બુધ્ધિપણું નથી, ઈન્દ્રિયપણું નથી કે વાસનાપણું નથી.રામ: એ અપાર ચૈતન્યમય પરબ્રહ્મનું રૂપ ફરી કહો.વશિષ્ઠ: મહાપ્રલય કે સમાધિમાં વૃત્તિઓનો ક્ષય થાય છે ત્યારે મનના રૂપનો નાશ કરીને, જે કોઈ રીતે નિરૂપણ ન કરી શકાય એવું સદ્રુપ રહે છે તે પરબ્રહ્મનું રૂપ છે.

સમાધિમાં દ્રશ્યરૂપ જગત રહેતું નથી, તેથી દૃષ્ટાનો અભાવ થવાથી જે એકરસ જેવું સાક્ષીરૂપ પ્રતિત થાય છે, તે પરબ્રહ્મનું ચિન્માત્ર, નિર્મળ શાંત એવું રૂપ છે.

તે આકાશમાં અવકાશ જેવું છે.

આનંદમય કોશની અંદર, સૂર્યની અંદર, આકાશની અંદર અને વૃત્તિઓની અંદર જે એક પ્રકાશ સ્ફૂરે છે તે પરમાત્મા છે -રામ બોલ્યાં : હે બ્રહ્માન \! આવા રૂપથી પ્રકાશતું આ દ્રશ્યરૂપ જગત મહાપ્રલયમાં બ્રહ્મમાં રહેતું નથી ત્યારે ક્યાં રહે છે?વશિષ્ઠ બોલ્યાં: જેમ વાંઝણીનો દીકરો અને આકાશનું વન એ કદી પણ નથી તેમ જગત વગેરે દ્રશ્ય પણ કદી નથી તેથી તે ઉત્પન્ન થયું નથી તો નાશ ક્યાંથી હોય? બ્રહ્મમાં જગતપણું પ્રત્યક્ષ દેખાય છે પણ તે અત્યંત અસત્ છે.રામ બોલ્યાં: જો એ સ્વપ્ન જેવું અસત્ હોય તો તે અત્યંત દૃઢ નક્કર કેમ પ્રતીત થાય છે? સ્વપ્નનો પદાર્થ તો દૃઢ પ્રતીત થતો નથી.વશિષ્ઠ બોલ્યાં: એ શાંત અને અત્યંત પવિત્ર પરમ પદમાંથી આ જગત જે પ્રકારે ઉત્પન્ન થયું તે સાંભળો.

જેમ પ્રત્યેક પુરુષ પોતાનું શાંત સ્વરૂપ જ સ્વપ્નની પેઠે વિવર્ત પામે છે, તેમ સઘળાં જીવોને એકઠું શાંત સ્વરૂપ જ સૃષ્ટિની પેઠે વિવર્ત પામે છે.

એ સર્વસ્વરૂપ પરબ્રહ્મનો જગતરૂપે વિવર્ત થવાનો ક્રમ સાંભળો.

આ સઘળુ જગત સર્વદા સ્વાભાવિક રીતે અનંત પ્રકાશરૂપ એ ચૈતન્યમણિની સત્તારૂપ જ છે.

તે પોતાના સ્વરૂપમાં જ કંઈક દૃશ્યાપણાને પામે છે.

અહંકારનાં અધ્યાસ વગરનું અને આકાશ કરતાં સુક્ષ્મતાવાળું એ શુદ્ધ તત્ત્વ ભવિષ્યમાં થનારા નામરુપોનાં અનુસંધાનોથી પ્રથમ કાંઈક કલ્પનાવાળું થાય છે.

શાસ્ત્રો એ કલ્પનાને \'ઈક્ષણ\' કહે છે.

તે ઈક્ષણવાળી એ પરમ સત્તા ઈક્ષણરૂપ વૃત્તિમાં પ્રકટ થયેલાં ચૈતન્યને લીધે વાણીનાં વ્યવહારોની કંઈક યોગ્યતા મેળવે છે.

અને તેથી તે ઈશ્વર એવું યોગ્ય નામ ધારણ કરે છે.

પછી ઘણાં કાળની ભાવનાથી ઈક્ષણવૃત્તિ દૃઢ થાય છે, એટલે એજ સત્તા સુક્ષ્મ પ્રપંચપણાને પકડે છે અને પોતાનાં પરબ્રહ્મપણાને વિસ્મરણથી છોડી દે છે.

ત્યારે તે સત્તા ભવિષ્યમાં જીવ અને હિરણ્યગર્ભ આદિ નામોવાળી થાય છે.

આમ જે બ્રહ્મસત્તા છે તે એવી રીતની ભાવનાઓને લીધે સંસારની સ્થિતિમાં તત્પર થાય છે.

એ સત્તાનો સ્વભાવ જ આવો છે.

આથી સત્તામાં જીવ તથા હિરણ્યગર્ભ આદિ ભાવ ઉત્પન્ન થાય છે.

હવે એ સત્તામાં જીવ ભાવ ઉત્પન્ન થાય છે એટલે પછી તરતજ શૂન્યરૂપ આકાશપણું ઉદય પામે છે.

એ આકાશ શબ્દ આદિ તન્માત્રાઓનાં બીજરૂપ છે અને ભવિષ્યના નામોનો પ્રકાશ આપનાર છે.

તે પછી કાળની સત્તાની સાથે અહંકારનો ઉદય થાય છે અને તે ભવિષ્યમાં થવાની જગતની સ્થિતિના મુખ્ય બીજરૂપ છે.

આ પ્રમાણે પરબ્રહ્મથી જ જરાપણ વિકાર પામ્યા વિના આ મિથ્યા જગતરૂપી જાળ ઉદય પામે છે, અને સ્ફૂરવાને લીધે તે જાણે જુદી સત્તાવાળી હોય તેમ જણાય છે.

અહંતાના ઉદયને અનુસરીને ભાસનારું એ બ્રહ્મતત્વ આ સંકલ્પ ભાવ જગતરૂપી વૃતનાં બીજરૂપ છે.

આ અહંકારનો ઉદય થાય છે.

તે પછી અહંકારનાં એકદેશ જેવો અને ચલન શક્તિવાળો વાયુ ઉદય થાય છે.

અને અહંકારવાળી એજ બ્રહ્મસત્તા આકાશની તન્માત્રા રૂપ શબ્દની ભાવના ને લીધે આકાશ કરતાં કાંઈક ઘાટી થાય છે અને શબ્દ રૂપે પ્રતીત થાય છે.

એ શબ્દ સઘળાં ભવિષ્ય પદાર્થોનો વાચક થાય છે.

શબ્દના સમૂહરૂપ વૃક્ષનાં બીજ રૂપ છે, વેદરૂપે પ્રકાશ પામે છે.

અને પદો, વાક્યો તથા પ્રમાણો એ નામથી ઓળખાય છે એ પ્રમાણે વેદરૂપપણાને પામેલાં બ્રહ્તત્ત્વમાંથી સઘળું જગત ઉત્પન્ન થાય છે.

જે જે શબ્દનો ઉદય થાય, તેતે શબ્દોનાં વાચ્ય પદાર્થરૂપે પણ એ જ તત્ત્વ પ્રતીત થાય છે.

એક જાતનાં વાયુરૂપ પ્રાણ ને ધારણ કરવાથી એ બ્રહ્મસત્તા જીવ કહેવાય છે અનેક રૂપોવાળાં જુદાં જુદાં દેહોની ભવિષ્યની પ્રાપ્તિથી તે જીવનાં વ્યાષ્ટિભાવ અનેક નામે થાય છે.

ભવિષ્યનાં ચૌદ બ્રહ્માંડોમાં રહેવાથી ચૌદપ્રકારવાળા અને પ્રાણવાયુ સાથે સંબંધ ધરાવનારા એ જીવો ચૈતન્યમાં, બ્રહ્માંડોમાંથી ખાડાઓમાં પ્રસરે છે.

જેમાં પ્રથમ નામ કે ગતિ કંઈપણ હોતું નથી.

તે જ ચૈતન્ય તુરત સ્ફુરણ પામીને ક્ષણમાત્રમાં ભાવનાને લીધે સ્પર્શ રૂપ થાય છે.

સ્પર્શોના ઓધરૂપી વૃક્ષનાં બીજરૂપ એ જ ચૈતન્ય આવહ અને પ્રવાહ આદિ પવનો રૂપ થાય છે અને તે પવનોરૂપ થયેલાં ચૈતન્યમાંથી સર્વ પ્રાણીઓની ક્રિયારૂપ ગતિ ફેલાય છે.

એ જ ચૈતન્યમાં પ્રકાશની ભાવનાને લીધે પ્રકાશ (તેજ) નો અનુભવ થાય છે.

અને તે તેજમાં અનેક ભવિષ્ય રૂપોનાં સમષ્ટિભૂત રૂ૫નો અનુભવ થાય છે.

રૂપમાંથી સૂર્ય, અગ્નિ આદિ વ્યષ્ટિરૂપે ઉત્પન્ન થાય છે.

તે રૂપ જ અનેક રૂપોનાં ઓઘરૂપી વૃક્ષનું બીજ છે; એટલે તેમાંથી જુદાં જુદાં વ્યષ્ટિ રૂપોનાં ભેદ થી સંસાર ફેલાય છે.

એ જ ચૈતન્ય \'હું\' જળનાં રસનાં સમુદાયરૂપ છું.\' એવી ભાવનાને લીધે રસરૂપ થઈ જાય છે.

સાકાર પદાર્થોનો જીભથી સ્વાદ લેતાં જે પ્રતીતિ થાય છે તે રસ તન્માત્રા કહેવાય છે.

જળોના ભવિષ્યનાં વિલાસોરૂપ એ રસ વ્યષ્ટિરસોરૂપી વૃક્ષનાં બીજરૂપ છે, એટલે તેમાંથી પરસ્પર સ્વાદોની વૃદ્ધિ થતાં સંસાર વિસ્તાર પામે છે.

એ જ ચૈતન્ય \"હું પૃથ્વી છું\" તેવાં સંકલ્પરૂપ થાય છે, ત્યારે તે પૃથ્વીના ભવિષ્યના ભેદોને યોગ્ય થાય છે.

અને સંકલ્પોને લીધે જ પોતામાં ગંધપણાને દેખે છે.

ભાવી ભૂગોળપણાને લીધે એ જ મનુષ્ય વગેરે આકૃતિઓનું બીજ છે.

સર્વનાં આધારરૂપ એ પૃથ્વીરૂપ ચૈતન્યમાંથી સંસાર ફેલાય છે, તે તે ભૂત ના અહંભાવને પામેલું ચૈતન્ય જ ભાવના કરે છે.

તેથી એ શબ્દ આદિ તન્માત્રાઓ પરસ્પર એકઠી થાય છે અને જેમ જળમાં પરપોટા થાય છે, તેમ ચૈતન્યમાં અનેક બ્રહ્માંડોરૂપે પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે.

જ્યાં સુધી સર્વનો નાશ થઈ જાય નહીં, ત્યાં સુધી તે જુદાં જુદાં પદાર્થો ચોખ્ખા પડીને દેખાય જ નહીં એવી રીતે એ એકઠા થઈ ગયેલાં છે.

એ પદાર્થો બ્રહ્મમાં બ્રહ્મની સત્તાથી જ રહેલા છે.

એક કણ સરખા બીજની અંદર જેમ અનેક વડનાં વૃક્ષો રહ્યાં છે.

તે વડનાં વૃક્ષો અનેક રીતે ઉત્પન્ન થાય છે, અને સેંકડો શાખાઓથી સ્ફૂરે છે, તેમ બ્રહ્મરૂપ બીજમાં અનેક બ્રહ્માંડો રહેલાં છે.

તે બ્રહ્માંડો અનેક રીતે ઉત્પન્ન થાય છે અને સેંકડો શાખાઓથી સ્ફૂરે છે.

પરમાણુ જેવાં સુક્ષ્મ બ્રહ્મમાં માયાને લીધે એ બ્રહ્માંડો પ્રતીત થાય છે અને ક્ષણમાત્રમાં એ વધી જાય છે.

આ સઘળાં બ્રહ્માંડો ચૈતન્યનાં વિવર્તરૂપ જ છે.

અને વિવર્તરૂપ હોવાથી નિર્વિકાર જ છે.

નિર્વિકાર ચૈતન્યમાં જ વિવર્તરૂપ હોવાથી એ સઘળાંને વધતાં વાર લાગતી નથી અને ક્ષણમાત્રમાં જ એ વધી જાય છે.

આજે તન્માત્રાઓનો સમુહ છે તે સંકલ્પરૂપપણાને પામેલું ચૈતન્ય જ છે.

એ ચૈતન્ય પોતે નિરાકાર છતાં તે પોતાની જ્ઞાન શક્તિથી પોતાનામાં જગતને ત્રસરેણુ સમાન દેખે છે.

જગતનું બીજ પાંચ તન્માત્રાઓ છે.

તે તન્માત્રાઓનું બીજ પરમાત્માની સાથે અજ્ઞાત સંબંધ ધરાવનારી માયાશક્તિ છે.

અને એ માયાશક્તિનું બીજ પણ પરમાત્મા જ છે.

એમ સર્વદા વિદ્વાનોનો અનુભવ છે, માટે જે જગત છે તે અજ અને આદિરૂપ બ્રહ્મ જ છે.

જગત બ્રહ્મનાં વિવર્તરૂપ જ છે.હે રામ \! જેમાં આકાશ, તેજ કે તમ ઉત્પન્ન નહોતાં એવાં ચિદ્રપ, વિસ્તીર્ણ અને સ્વરૂપે સ્થિર રહેલાં નિર્વિકાર પરબ્રહ્મનાં દૃશ્ય પદાર્થોરૂપે પ્રતીત થવાનાં સ્વભાવને લીધે પ્રથમ વિષયોની કલ્પના ઉઠી, તે પછી ચિત્તરૂપે પ્રતીત થવાને લીધે ચિત્તની કલ્પના ઉઠી તે પછી દૃશ્યોને સંયુક્ત થઈને જીવરૂપે પ્રતીત થવાનાં સ્વભાવને લીધે જીવપણાની કલ્પના ઉઠી.

તે પછી દૃશ્યોની સાથે એકરૂપપણું પ્રતીત થવાથી અહંભાવની કલ્પના ઉઠી અને તે પછી અહંભાવની વૃદ્ધિ થવાથી બુદ્ધિપણાની કલ્પના ઉઠી.

એવી રીતે જ શબ્દ આદિ વિષયોનું મનન કરનાર મનની અને બીજાં પણ કેટલાક ભાવોની કલ્પના ઉઠી પછી શબ્દ આદિ તન્માત્રાઓનું પંચીકરણ થવાથી વૃદ્ધિ પામેલાં અને તેથી સ્થુળદેહપણાને પામેલા તે મનમાંથી આવા પ્રકારનાં આ બ્રહ્માંડ આદિરૂપ મોટો ગોટો ઉત્પન્ન થયેલો જોવામાં આવે ચે.જેમ સ્વપ્નમાં બાંધ્યા વગરનું નગર તરત જ ઉત્પન્ન થાય છે તેમ એ ક્રમ પ્રમાણે તરત જ ગોટો ઉત્પન્ન થાય છે.

આ બ્રહ્માંડરૂપી મોટું જાળું ચિદાકાશરૂપી મોટા વનમાં ઉત્પન્ન થઈ જાય છે અને પાછું નાશ પામી જાય છે.

મન જગતરૂપી કરજોની કુંજોનું વાવ્યા વિનાનું બીજ છે.

તેને પૃથ્વીની, જળની કે ગરમી આદિની કશી અપેક્ષા રહેતી નથી.

જેમ સ્વપ્નનો દૃષ્ટા નગરને ઉત્પન્ન કરે છે તેમ બ્રહ્મમાં કલ્પાયેલું એ મન પાછળતી પૃથ્વી આદિને ઉત્પન્ન કરે છે.

એ મન ગમે ત્યાં રહેલું હોય, તો પણ જગત આદિ અંકુરને ઉત્પન્ન કર્યા કરે છે.

જગતનું બીજ મનરૂપી પાંચ તન્માત્રાઓ છે અને તન્માત્રાઓનું બીજ પરબ્રહ્મ છે માટે જગત બ્રહ્મમય જ છે.આવી રીતે સૃષ્ટિનાં આરંભમાં પરબ્રહ્મ રૂપ આકાશમાં બ્રર્હ્મનાં તે તે પદાર્થોરૂપે પ્રતીત થવાનાં સ્વભાવને લીધે અધિષ્ઠાન થી અભિન્ન એવો શબ્દ સ્પર્શ વગેરે પાંચ તન્માત્રાઓનો સમૂહ કલ્પનાથી જ ઉઠ્યો છે.

વાસ્તવિક રીતે જોતાં તો તે ઉત્પન્ન થયો જ નથી.

શબ્દ વગેરે તન્માત્રાઓ જ વૃદ્ધિ પામીને જે કાંઈ આ જગત બનાવે છે, તે પણ ચિદાકાશમાં અધ્યાસ પામીને જ બનાવવામાં આવે છે, તે કલ્પિત જ છે.

સત્ય નથી માટે જગતની સ્થિતિ પોતાની સત્તાથી નથી પણ અધિષ્ઠાનની સત્તાથી જ છે.

જે કલ્પિત પદાર્થોથી થયું હોય તે કદી પણ વાસ્તવિક હોતું નથી.

જેનું સ્વરૂપ જ કલ્પનામય હોય તેને સત્યપણાની પ્રાપ્તિ કેવી રીતે સંભવે ? શબ્દ આદિ પાંચ વિષયો બ્રહ્મરૂપ જ છે.

માટે તેમનાં કાર્યો પણ બ્રહ્મરૂપ જ છે, એટલે સઘળું બ્રહ્માંડ પણ બ્રહ્મરૂપ જ છે.પરમ પ્રકાશમય બ્રહ્માકાશમાં જીવપણું અસત્ છતાં સત્ જેવું પ્રતીત થાય છે.

ચૈતન્યમાંથી પૃથ્વી વગેરેનો અસંબંધ છે.

અસંભવ છે.

તેથી ચૈતન્ય અત્યંત નિર્મળ છે.

જેમ મહાકાશમાં પરિચ્છિન્ન (મર્યાદિત) ઘટાકાશનો ઉદ્ભવ થાય છે તેમ બ્રહ્મકાશમાં પરિચ્છિન્ન (મર્યાદિત) જીવનો ઉદય થાય છે.

આમ મેં જીવનાં સ્વરૂપનો નિર્ણય તમને કહ્યો.એ જીવ આ સ્થૂળ દેહને કેવી રીતે પામે છે તે હવે સાંભળો.

પરમેશ્વરમાં કલ્પાયેલો સમષ્ટિ જીવાકાશ ‘હું તણખા જેવો અત્યંત નાનો તેજ નો કણ છું.’ એમ ચિંતનવ કરે છે અને પોતાનો તેવો જ અનુભવ કરે છે.

એ અનુભવરૂપ ભાવનાની વૃદ્ધિ થાય છે, એટલે અણુરૂપ પોત અસત્ છતાં સત્ જેવું પ્રતીત થાય છે.

જેમ સંકલ્પનો ચંદ્ર સાચો હોતો નથી, તેમ ભાવનાથી મનાયેલું અણુરૂપ પણ સાચું નથી.

જીવ એ અણુરૂપની ભાવના કરતાં કરતાં પોતે એક છતાં બે પણાંને પામે છે, એટલે દ્રષ્ટા તથા દૃશ્યરૂપ થઈ જાય છે.

અસંભવિત છતાં જીવ પોતાનાં દૃષ્ટાંપણાના દૃષ્ટા થઈ જાય છે.

આમ દૃષ્ટપણાં અને દૃશ્યપણાની ભાવના દૃઢ થાય છે.

ત્યારે તે લિંગ શરીરરૂપ થઈને કાંઈક પહેલાંના કરતાં વિશેષ સ્થૂળપણું પામે છે.

હું લિંગ (સ્વરૂપ) શરીરરૂપ છું.’ એવી ભાવનાને લીધે એ આત્મા લિંગ દેહપણાનો અને સ્થૂળ દેહપણાનો પણ અનુભવ કરે છે ચિત્ર જેમ વિષયરૂપ થઈ જાય છે તેમ જીવ દેહરૂપ થઈ જાય છે.

જેમ બહારનો પર્વત અરીસાની અંદર પ્રતીત થાય છે.

બહારનો દેહ કુવામાં રહેલો પ્રતીત થાય છે.

તેમ અણુરૂપમાંથી લિંગદેહના અભિમાનને પામેલો જીવ પણ પોતાના સ્વરૂપમાં જ વાસનામય વ્યવહારનો અનુભવ કરે છે.

વ્યવહારદૃષ્ટિથી જોતાં વાસનામય દેહ આદિ બુદ્ધિના અને ચિત્તનાં પરિણામરૂપ છે.

અને પરમાર્થ દૃષ્ટિથી જોતાં એ દેહ આદિ જ્ઞાનરૂપ, સત્તારૂપ અને આનંદરૂપ જ છે.

લિંગદેહમાં રહેલો જીવ લિંગદેહનાં આકાશમાં રહેલા વ્યવહારને ‘હું જોઉં છું.’ એવી ભાવનાથી આકાશમાં જોવા માટે ગતિ કરવા જેવું કરે છે.

જે બે છિદ્રોથી તે ભવિષ્યમાં બાહ્ય નામવાળા પદાર્થોને દેખે છે.

તે બે છિદ્રો ‘નેત્રો’ એવાં નામથી ઓળખાય છે.

જેનાથી તે પદાર્થોનો તે સ્પર્શ કરે તે ‘ત્વચા’ નામથી ઓળખાય છે.

જેનાથી તે સાંભળે છે, તે ‘શ્રવણ’ એવા નામથી ઓળખાય છે.

જેનાથી તે સૂંઘે છે.

તેને પોતાનામાં ધ્રાણરૂપે તે દેખે છે.

જેનાથી તે સ્વાદ લે છે તેને રસનારૂપ દેખે છે.

જેનાથી તે ચલન કરે છે, તેને પ્રાણરૂપ થયેલું દેખે છે.

જેનાથી તે ચેષ્ટા કરે છે તેને કર્મોન્દ્રિયોનાં સમૂહરૂપ થયેલું દેખે છે.

આ દેખાવ પ્રત્યક્ષ દેખાય છે અને આ દેખાવ મનમાં થાય છે.

આવી ભાવના કરતાં એ લિંગદેહનો અભિમાની જીવ જેમ મહાકાશમાં ઘટાકાશ રહે તેમ તે પરબ્રહ્મમાં રહે છે.આ પ્રમાણે પોતાનાં અણરૃપમાં ખોટી પણ સાચી જેવી લાગતી વૃદ્ધિની ભાવના કરવાથી બ્રહ્મ જ ‘જીવ’ એ શબ્દને યોગ્ય થઈ જાય છે.

આ રીતે કલ્પનાઓથી આકુળપણાને પામેલો, લિંગદેહનાં અભિમાનવાળો અને જેનાં લિંગદેહ જ સ્થુળ દેહરૂપ થાય છે, એવો જીવ પોતાની કલ્પનાની અંદર જ આ સાકાર બ્રહ્માંડને દેખે છે.

એ બ્રહ્માંડમાં કોઈ જીવ પોતાને જળમાં રહેલો દેખે છે, કોઈ જીવ પોતાને ચક્રવર્તીરૂપ દેખે છે અને કોઈ જીવ ભાવી બ્રહ્માંડોની કલ્પના કરે છે અને તેમનો અનુભવ પણ કરે છે.

તે પોતાનાં ચિત્રનાં સંકલ્પો પ્રમાણે દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યરૂપ પોતાને રહેવાનાં મિથ્યા ઘરોની કલ્પના કરે છે અને તેમનાં જુદા જુદા નામો કલ્પીને ભાવનાને લીધે તે તેમનાથી પોતાને જ બાંધે છે.મિથ્યા જગતરૂપ ભ્રાંતિમાં મિથ્યા સંકલ્પમય જીવ પ્રતીત થાય છે.