અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

II પ્રાણ ચિકિત્સા

ભાગ ૧૫ / ૪૪ · મૂળ PDF

સાંપ્રત સમાજ એવા સ્ફોટક બિંદુ પર આવીને ઊભો છે કે અહીં સ્વસ્થ વ્યક્તિ જડવો મહામુશ્કેલ બનતું જાય છે. વ્યક્તિમાત્ર સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેમાંથી નીકળવા તેને અહીંતહીં કયાંક ઘસરકા, ઊઝરડા અને ઘા વાગેલાં હોય છે. કેટલાંક કાળાંતરે મટી જાય તો પણ નિશાનીઓ છોડી જાય છે. જ્યારે કેટલાક પ્રસંગોના ઘા વ્યક્તિનાં જીવનમાં નાસુર બની ચૂક્યા હોય છે. આવું થયું તે વ્યક્તિની પોતાની સ્વ અને અન્ય પ્રત્યેની ઇષ્ટ અને થયેલા વ્યવહાર (સારો કે ખોટો) તેનું જ પરિણામ છે.

એટલે કહે છે:

“જે તને જેવું લાગ્યું તે જ તો તને વળગ્યું

જેવું તેં જોયું અને જાણ્યું તેવું જ તેને લાગ્યું

તેથી તો આ ભૂતો વળગ્યાં અને પાંચ

મહાભૂતો પણ.”

“જેની જેવી દૃષ્ટિ તેવી તેની સૃષ્ટિ.”

આ સમગ્ર સંસાર ભાસ છે, ઝાકળ જેવો જ તે ભાસે છે કારણ તેનું સંવેદનો છે, લાગણીઓ જ છે. આ બધું જ સ્મૃતિરૂપે પંચકોષોમાં સંગ્રહાય છે. આ જે કોઈ થઈ રહ્યું છે તેનો અનુભવકર્તા મન છે. મન છે તેથી જ આવું અનુભવાય છે. એટલે કહી શકાય કે મન પર અસરો થાય છે, તે પ્રાણદેહ અને શારીરિક દેહ પર મોટેભાગે દેખાય છે. મનનું શું કામ છે? ચિતરો અને ભૂંસો. કેટલુંક ભૂંસાય છે પણ ઘણું ચિતરામણ રહી જાય છે.

\*\*\*\*\*

રોગ, બીમારી એ બધું પવન (પ્રાણવાયુ) અને રસશક્તિ વ્યક્તિના શારીરિક દેહ (organism)માં ઊભા થતાં વિકાર આભાસનું પરિણામ છે. ઊર્જા વિચારને અનુસરે છે. પરંતુ સૂક્ષ્મ વાયુ મનનાં સ્મૃતિસંગ્રહમાં ફરે છે એટલે પુરિયાષ્ટકમાંની વૃત્તિ વિચારરૂપે પ્રગટે છે. વળી તે વિચાર (પુરિયાષ્ટકમાં લાવેલી વૃત્તિ) ને મન મનમાં દર્શાવે છે. તેના પર અંતઃકરણમાં પ્રક્રિયા થતાં જ્ઞાનેન્દ્રિયોને સક્રિય કરે છે તે બાહ્ય જગતની સ્થિતિ દર્શાવે છે. ત્યાંથી એકત્રિત માહિતી જ્ઞાનેન્દ્રિયો સંવેદકો દ્વારા પાછી મનને આપે છે. અને કર્મનો સંકલ્પ દૃઢ થાય છે, જે કર્મેન્દ્રિયોને કર્મ કરવા આદેશ આપે છે. પ્રાણઊર્જા વિચારને અનુસરે છે. આમ પ્રાણ (પવન)ની પાંખે ચડીને વિચાર કાર્યમાં પરિણમે છે. દા.ત. ઘરમાં બેઠેલ વ્યક્તિને આંખે ધૂળ ચડી છે એમ બતાવે છે. સ્વચ્છ રાખવાની વૃત્તિ સળવળે છે. તે મનમાં આવતાંજ કર્મેન્દ્રિયોને આદેશ કરે છે એટલે તે વ્યક્તિ ઊભો થઈને ધૂળ ઝાપટવા, સફાઈ કરવા લાગી જાય છે. કેટલાકમાં તે સ્વચ્છતાનું ઝનૂન પેદા કરે એટલે તે ગજા ઉપરાંત શ્રમ કરે, સફાઈ તો થાય પણ પોતે માંદો પડી જાય. આવાં અનેક વૃત્તિ વિચારોનાં ચક્રવ્યૂહમાં પ્રત્યેક વ્યકિત દિવસરાત ફસાયેલો જ રહે છે. કાર્ય કરવું, ન કરવું ની અવઢવમાં પણ કેટલાય ખૂંપેલાં રહે છે, જેઓ વિચારો કર્યા કરવાથી વાયુ કોપાવે છે અને પછી વાયુના રોગો થાય છે. આયુર્વેદ અનુસાર વાયુનાં ૮૦, પિત્તના ૪૦ અને કફનાં ૨૦ રોગો હોય છે. પરંતુ જો વ્યક્તિ વાત, પિત્ત, કફને સંતુલિત રાખી શકે તો તેને કોઈ રોગ થતાં નથી. હવે વ્યક્તિની પ્રકૃતિમાં ત્રણ ગુણો સત્વ, રજસ તમસ ઉત્પન્ન થયાં કરતાં હોય છે. તામસી વ્યકિતને પિત્ત, રજસ પ્રધાનને વાયુ અને સત્ત્વપ્રધાનને કફજન્ય દોષો થતાં જણાય છે. પરંતુ વિચાર અને પ્રાણ મુખ્ય પરિબળો છે. સત્વશીલતામાં વિચારો કફજન્ય, રાજસિક વિચારો વાયુજન્ય અને તામસિક વિચારો પિત્તને કોપાવીને રોગોની ઉત્પત્તિ કરતાં જણાય છે. એટલે વિચારોની વિષયવસ્તુઓ, વિચારણાનો સમય, વ્યક્તિની વય, તેનાં દેહ, મન, પ્રાણનું બળાબળ તેને થનારા રોગોમાં નિર્ણાયક ભાગ ભજવે છે. રોગ એટલે મન દ્વારા શરીર પર આવતી અસરો.

ભૂલથી પણ “આ દેહ હું છું” ની ભાવનાથી દુઃખો, દર્દ, પીડા આવે છે.

જ્યાં સુધી હું આ શરીર છું અથવા મને આ રોગ થયો એવું પકડી રાખે ત્યાં સુધી જ તે તેમ રહે છે. આ પણ રોગ પેદા કરવાનો અને પાળ્યાપોષ્યા કરવાનો હઠયોગ પકડીને વ્યકિત બેઠી હોય છે. એવા તો સમર્થ છે કે ન હોય ત્યાંથી, સાંભળીને, વાંચીને જોઈને અને પછી તેનાં પર વિચારો કરીને રોગ પેદા કરે છે, અકસ્માતો નોતરે છે અને અજંપાભરી આફતમય જિંદગી બનાવીને તેમાં જ ડૂબાડૂબ રહે છે. ઘટના એટલે અમુક પરિસ્થિતિઓ કારણો એક જ સમયે સક્રિય થાય ત્યારે બનતો બનાવ. જ્યારે અકસ્માત એટલે અગણિત કારણો તીવ્રતાથી સક્રિય થાય ત્યારે ઊભો થતો બનાવ.

તમે લોકો વારેવારે બોલો છો કે મને (આત્માને) પેટમાં દુ:ખે છે. મને (આત્મા) થાઈરોઈડ થયો, ડાયાબિટીસ થયો છે. આવી સીરિયસ મજાક કરાય? તે પરમાત્માનું તથાસ્તુ ચાલુ જ છે. તો હવે કહે છે કે તેં કહ્યું તેમ થયું, ભોગવ હવે નિરાંતે શરમાતોય નથી\! ઉપરથી જાણે ગૌરવ અનુભવે છે\! આ કેવું અધઃપતન\!