અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

Chapter 4

ભાગ ૧૪ / ૪૪ · મૂળ PDF

રોગોત્પત્તિ

બીમારીઓનું મૂળ મનમાં વસે છે. અકસ્માત પણ મનની અવસ્થાનાં પરિણામરૂપ જ હોય છે. રોગોત્પત્તિની શરૂઆત મનમાં થાય છે. વિચારો અને લાગણીતંત્ર બંને એકબીજાને અસરકર્તા હોય છે. આમાં શ્વસનમાં લેવાતો પ્રાણ વિચલિત થાય છે. આવો વિચલિત થયેલો પ્રાણ શારીરિક સ્થિતિઓને અસર કરે છે. આવી રીતે મનમાં ઉદ્ભવતો વિકાર શરીરમાં પ્રગટે છે. જોકે આમાં શરીરમાં પ્રગટવાનો સમયગાળો આશરે ૬ મહિના જેટલો ગણી શકાય. આથી પ્રાણ દ્વારા ચિકિત્સા કરવાની પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. પ્રત્યેક સંસ્કૃતિમાં આ પ્રાણ દ્વારા ઉપચાર કરવાની અનેક પદ્ધતિઓ ચલણમાં હતી. આધુનિક સમયમાં મહાત્મા ચોઆ કોક સૂઈએ વિકસાવેલી “પ્રાણિક હિલિંગ”ની પદ્ધતિ આજે સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની ચૂકી છે. તેઓએ ઉપચારને કલા અને વિજ્ઞાનરૂપે સ્થાપિત કરવામાં સમગ્ર જીવન ગાળ્યું. આપણે સહુ તેમના આ અદ્ભુત કાર્યને પ્રાણિક હિલિંગના સદુપયોગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ\!

પ્રાણચિકિત્સા એ પ્રાણ દ્વારા પ્રાણશરીરને રોગમુક્ત કરવાની વિધિ છે. વ્યક્તિને રોગ થવા કે બીમાર પડવાનાં અનેક અનુષંગિક કારણો હોય છે. અપોષણ, કુપોષણ, વધુ પડતું અમુક અન્નનું ગ્રહણ, પ્રદૂષિત પાણી, અપૂરતું કે વધુ પડતું પાણી પીવાની આદત, અન્ય પીણાં લેવાની આદત, ભોજન દરમ્યાન વધુ પડતું પાણી પીવાની આદત, ભોજન બાદ તુર્તજ સૂવાની ટેવ કે અતિશય શ્રમ (શારીરિક, માનસિક) સૂવા બેસવાની અયોગ્ય રીત, શારીરિક શ્રમનો અભાવ, વધુ પડતો માનસિક શ્રમ, અસંતુલિત ઊંઘ, અતિશય વિચાર, અતિશય વાણીવ્યય, અનિયંત્રિત જાતીય જીવન, સૂર્યપ્રકાશનો અભાવ, અતિશયતા, અનિયંત્રિત લાગણીઓ, અનિયંત્રિત શ્વસન, કુદરતી આવેગો (છીંક, હાજતો, વગેરે) રોકવાની ટેવો. ઉપરાંત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરનાં પાદુર્ભાવો વાયરસ, બેક્ટેરિયા, વિદ્યુત, અને અકસ્માતોનાં પરિણામ સ્વરૂપે રોગ, બીમારી પ્રગટે છે.

વ્યક્તિમાં પ્રકૃતિદત્ત ત્રણ ગુણો હોય છે. સત્વ, રજસ અને તમસ. જેની સમતુલા ખોરવાતાં રોગ થાય છે. ત્રણ અન્ય દોષો વાત, પિત્ત અને કફનું અસંતુલન પણ બીમારીનું કારણ બને છે. સતગુણ – કફદોષને, રજસ – વાયુ રોગને તમસ – પિત્ત દોષને રાગ અને દ્વેષવાળી વૃત્તિ વડે અસમતોલ બનાવી વ્યક્તિને રોગી બનાવે છે. અહીં પ્રાણમાં વિકાર પેદા થવાનાં પરિણામે વ્યક્તિનું શરીર જે પાંચ મહાભૂતો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશને વિકૃત કરી મૂકે છે. રોગ એ પવનશક્તિ (પ્રાણ) અને રસશક્તિ (જલ) નાં વિકારનું જ પરિણામ હોય છે.

જીવનમાં વ્યક્તિ ત્રિવિધ તાપથી પણ સંતાપ પામે છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક:

(૧) આધિભૌતિક તાપ: આ એવી પરિસ્થિતિ છે જેમાં બાહ્ય જગત સાથેનાં સંપર્ક, વ્યવહારો કરવામાં અનેકવિધ તકલીફો આવે છે. લોકો પારસ્પરિક સંવાદ, ક્રિયા, પ્રતિક્રિયા દરમ્યાન ખૂબ જ દબાવ પેદા કરે છે જે સહનશક્તિની પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. પર્યાવરણીય મુશ્કેલીઓ સામાજિક માળખા સામે પડવું, ઉપરીઓ સાથેનાં વ્યવહારોથી તણાવ પેદા થવો એ આધિભૌતિક તાપ છે.

(૨) આધિદૈવિક તાપ: આ ત્યારે અનુભવાય છે. જ્યારે કુદરતી પરિબળોને કારણે સર્જાતી હોનારતો, પરિસ્થિતિઓમાં વ્યક્તિ સંડોવાય અથવા તેનાં કુટુંબી સલવાય આમાંથી બહાર, સલામત નીકળવાની મથામણો ખૂબજ તંગ સ્થિતિનો સામનો કરવા પડકાર ફેંકે છે.

(૩) આધ્યાત્મિક તાપ: વ્યક્તિનાં દૃષ્ટિકોણ અને જગત જેમ છે તેમ જ્યારે સામસામે હોય છે તેવી જીવનની તમામ પરિસ્થિતિઓએ આધ્યાત્મિક તાપ છે, એક જાતની પરીક્ષા છે. જેમાંથી પાર ઊતરતાં જ વ્યક્તિ આધ્યાત્મની સીડીનું જાણે એક સોપાન સર કરી લે છે. અહીં સંયમ રાખવાની ક્ષમતાનો વિકાસ થાય છે. આત્મનિગ્રહ થવાથી વ્યક્તિ વધુ આત્મકેન્દ્રી રહી શકે છે.

આ ત્રિવિધ તાપ સહન કરતાં વ્યક્તિ પીઢ થાય છે. તેનામાં એક જાતની પરિપક્વતા આવે છે. પરંતુ કહેવું સહેલું છે, જે આત્મતાપ સહન કરે ત્યારે તેના શારીરિક શરીર, પ્રાણમય શરીર અને મનોમય શરીરમાં અનેકવિધ અસરો નીપજે છે. લાંબા સમય સુધી તેને સહેવાનું જેને ભાગે આવે છે તેના આરોગ્યને ભારે નુકસાન થઈ શકતું હોય છે. અહીં પ્રાણશક્તિનો ભારે ખર્ચ થઈ જાય છે એટલે જો ક્ષતિપૂર્તિ ન કરવામાં આવે તો વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ શકે છે.