સમુદ્રમંથન
સમુદ્રમંથનની વાત ભાગવતપુરાણ (શ્રીમદ્ ભાગવત) વિષ્ણુપુરાણ તથા મહાભારતમાં આવે છે. તેમાં દેવો અને અસુરો ભગવાન વિષ્ણુની મધ્યસ્થીમાં દૂગ્ધ સમુદ્રનું મંથન (churning) કરીને અમૃત મેળવવા તનતોડ મહેનત કરે છે તેનું વર્ણન છે.
શરૂઆત થાય છે. આમ... સ્વર્ગનાં રાજા દેવ ઇન્દ્ર પોતાનાં દૈવી ઐરાવત હાથી પર સવાર થયા છે. આગળ ઋષિ દુર્વાસા મળે છે. તેમને અપ્સરાઓએ અર્પણ કરેલો ફૂલોનો હાર તેઓ ઇન્દ્રને આપે છે. ઋષિને હારનું શું પ્રયોજન? એટલે તેઓ ઇન્દ્રને હાર આપે છે. હવે ઇન્દ્રે હાર પોતાનાં હાથી ઐરાવતનાં દંતશૂળ પર પહેરાવે છે. ફૂલોની તીવ્ર સુગંધથી આકર્ષાઈને મધમાખીઓ ત્યાં આવી મધ એકઠી કરવા ઉદ્યમ આદરે છે. મધમાખીઓથી અકળાઈને હાથી હારને જમીન પર ફેંકે છે. આથી દુર્વાસા તેને પોતાનું અપમાન માની બેસે છે. હાર તો સૌભાગ્યનું ચિન્હ હતું અને મા લક્ષ્મી (ભાગ્યલક્ષ્મી)નું નિવાસ હતું. હવે લક્ષ્મીજી સમુદ્રમાં જઈ વસે છે. દુર્વાસા ઇન્દ્રને શાપ આપે છે કે બધા દેવોની શક્તિઓ, ઊર્જા અને ભાગ્યથી વંચિત થાઓ.
આ પ્રસંગ પછીનાં દેવાસુર સંગ્રામમાં બલીરાજનાં નેતૃત્વમાં અસુરો દેવોને હરાવી ત્રણે લોક જીતી લે છે. હવે દેવો ભગવાન વિષ્ણુ પાસે જઈને મદદ માંગે છે. ભગવાન વિષ્ણુ તેમને અસુરો સાથે મુત્સદીથી વર્તવાનું સમજાવે છે. આથી દેવો અસુરો સાથે સંધિ કરીને સમુદ્રમંથન કરી અમૃત પ્રાપ્ત કરીને વહેંચી લેવા સંમત કરે છે જોકે વિષ્ણુજી દેવોને અમૃત અપાવવા હૈયાધારણ આપે છે.
દુગ્ધ સમુદ્રનું મંથન એક મહાન જટિલ પ્રક્રિયા છે. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી, વાસુકિ નાગ જે શિવનાં ગળામાં ધારણ કરેલો છે તેનું નેતર બનાવે છે. વિષ્ણુ દેવોને વાસુકિ મસ્તક તરફથી અને અસુરોને પૂંછડી તરફથી નેતર ખેંચવા કહે છે. અસુરો પૂંછડી તરફથી ખેંચવાનું અપશુકનિયાળ માની મસ્તક તરફથી ખેંચવા સંમત થાય છે.
હવે મંથન શરૂ થાય છે. ત્યાં મંદરાચલ ડૂબવા માંડે છે. તેથી વિષ્ણુ ભગવાન (કૂર્માવતાર કાચબારૂપે) મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કરે છે. સૌપ્રથમ હલાહલ નામનું કાતિલ વિષ પ્રગટે છે. ભય વ્યાપી જતાં ભગવાન શંકર કલ્યાણઅર્થે પોતાનાં ગળામાં ધારણ કરીને નિલકંઠ નામે પ્રખ્યાત થાય છે. સમુદ્રમંથન થવાથી કુલ ૧૪ રત્નો પ્રગટે છે. લક્ષ્મીજી, અપ્સરાઓ, વારુણિ, કામધેનુ, સુરભિ, ઐરાવત, હાથી, ઉચ્ચશ્રવા (ઘોડો), કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, ચંદ્ર અને અંતે અમૃત કળશ સાથે ધન્વન્તરી (વૈદ્ય) પ્રગટ થાય છે.
ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતકળશ લઈને દેવો અને અસુરોને અલગ બેસાડી અમૃતપાન કરવા સમજાવે છે. અસુરોને મનાવી લે છે કે પહેલાં દેવોને થોડું થોડું અમૃત પાઈને બાકી વધેલું અસુરોને જ આપશે. અહીં સ્વરભાનુ અસુર ચતુરાઈથી દેવોની પંગતમાં સૂર્યચંદ્રની વચ્ચે દેવરૂપ લઈને બેસી જાય છે અને થોડું અમૃતપાન કરે છે, ત્યાં સૂર્ય અને ચંદ્રને ખબર પડી જતાં મોહિનીને ઇશારો કરે છે. આથી ભગવાન વિષ્ણુ મોહિનીસ્વરૂપ ત્યાગી સુદર્શનથી તેનું મસ્તક ને ધડ અલગ કરી દઈ ગરુડ પર વૈકુંઠ પધારે છે. અસુરોને છેતરાયાનું ભાન થતાંજ સંગ્રામ આદરે છે. અમૃતપાનથી પુનઃ તેજશક્તિ પ્રાપ્ત કરેલા દેવો વિજયી બની અસુરોને પાતાળમાં ધકેલી પુન: સ્વર્ગ જીતી લે છે.
આ કથાનો સાર એ છે કે કોઈએ કાંઈપણ અર્પણ કરેલુ હોય તે બીજાને ક્યારેય ન આપવું. બીજું તેનું અપમાન કે અવહેલના ન થવા દેવી. ત્રીજું અમૃત પ્રાપ્તિ કઠોર પરિશ્રમ સમુદ્રમંથન પછી જ થાય છે. અંતે તે દેવનાં જ ભાગે આવે છે.
અહીં પ્રગટ થયેલા દેવ ધન્વતરિ નારાયણ ભગવાન પોતે જ છે. તેઓ આરોગ્ય અને અજરતા પ્રદાન કરવાની વિદ્યાનાં જાણકાર છે. અધિકૃત દેવ છે.
આવા દેવ ધન્વન્તરિ ચિકિત્સા પદ્ધતિઓનાં અધિકારી જ્ઞાતા છે.